2.22 - અનોખું આણાં-લગ્નગીત: ‘ભોગાવો ગાજે છે રે...’ / બળવંત જાની


લોકગીતમાં લીપ્યું ગુપ્યું આંગણું પંક્તિ આવે એટલે એની સાથે રન્નાદેની અને પગલીના પાડનારની માગણીની વાત જ યાદ આવે. પણ એ મુખડાનું ઝાલાવાડ પ્રદેશનું આગવું કહી શકાય એવું એક અનોખું લોકગીત અહીં આસ્વાદનો વિષય બનાવ્યું છે. એની પ્રતીતિ થઈ વઢવાણના કરશન પઢિયાર પાસેથી. લગ્નગીતના ઢાળ સમજાવતી વેળા તેમણે આકાશવાણીના માધ્યમે પ્રસ્તુત કરેલું. જયમલ્લ પરમારને ત્યાં એમનો પહેલ વહેલો ભેટો થયેલો. કેશોદમાં રતુભાઈ અદાણી સાથે ક્રિયાશીલ હતા.

લીપ્યું ગુપ્યું મારું આંગણું છે,
ટોડલે ટહૂકે મોર, ભોગાવો ગાજે છે રે..૧

પછીતે આળખી પૂતળી રે,
મારે કરે બેસાર્યા ગણેશ, ભોગાવો ગાજે છે રે..૨

લીલા તે ગજનું કાપડું રે,
એને મોળિયે કસબી કોર, ભોગાવો ગાજે છે રે..૩

બાવન ગજની ચૂંદડી રે,
મારે ચણિયે કેવડની કોર, ભોગાવો ગાજે છે રે..૪

ચૂંદડીની કોરે ઝીણી ઘુઘરી રે,
મારો સસરો આણે આવ્યા, ભોગાવો ગાજે છે રે..૫

લીપ્યું ગુપ્યું મારું આંગણું છે,
ટોડલે ટહૂકે મોર, ભોગાવો ગાજે છે રે..૬

આણાંગીતો પ્રકારના લોકગીતોની પરંપરા આજના સમય સંદર્ભે વિચારવા જેવી છે. આ લોકગીતની ખરી મજા એના ભાવવિશ્વમાં છે. પ્રસન્નતાના પ્રસંગે પણ અહીં ડૂસકું સંભળાય છે. આણાંનો પ્રસંગ એટલે એ સમયમાં બાળલગ્નની પ્રથા હતી. આવા બાળલગ્ન પછી થોડો સમય શ્વસુરગૃહે રહીને તૂર્ત જ પુનઃ પિયરગૃહે આવે અને પછી યુવાવયમાં પ્રવેશે એટલે પોતાના શ્વસુરગૃહના સોણલા એ યુવતી સેવવા લાગે. એટલે એને મન આણું તેડવા આવવાનો પ્રસંગ જ ખરો લગ્નપ્રસંગ હોય છે. આમ, યુવતીને જ્યારે શ્વસુરગૃહે જવાનું અને એ પ્રસંગ આણાંનો પ્રસંગ છે. આ પહેલું આણું ગણાય અને બીજું આણું સંતાન પ્રાપ્તિ પછી જ્યારે પિયરગૃહેથી શ્વસુરગૃહે જવાનું થાય ત્યારે પણ ભારનું આણું આવ્યા કહેવાય. અહીં પ્રથમ આણાંની વાત કેન્દ્રસ્થાને છે.

પ્રદેશ-પ્રદેશના લોકગીતો-લગ્નગીતો જે-તે પ્રદેશની કંઈ ને કંઈ વિશિષ્ટ તાસીરના આલેખનથી તે-તે પ્રદેશની ઓળખને પ્રગટાવતા હોય છે. ઝાલાવાડ એટલે ભોગાવો નદી. જેમાં પાણી માત્ર ચોમાસાની ઋતુ દરમ્યાન થોડો સમય જ હોય. પછી માત્ર ઝીણી ઝીણી રેતી ઉડતી હોય. આમ, અભાવનો ભાવ પ્રગટાવતી નદી ભોગાવો છે. લોકગીતમાં આ ભોગાવો નદીને ઘૂઘવતી કલ્પીને લોકનારી ગાય છે કે ‘ભોગાવો ગાજે છે રે...’ અભાવ વચ્ચે પણ ઘૂઘવાટાની ગર્જનાનો ભાવ કલ્પીને જીવતર જીવતી નારીની વાતને અહીં લોકગીતમાં વાચા મળી છે.

આંગણું પોતે જ લીપ્યું અને સજાવ્યું છે. પોતાને જ પોતાના શુભપ્રસંગે બધી કામગીરીમાં સંકળાવાનું રહે એ કરુણ વાત પણ અહીંથી પ્રગટે છે. આંગણું લીપ્યું અને ટોડલે ચીતરેલા મોરનો ટહુકાર સાંભળતી નારી કલ્પનાજગતમાં રાચતી પોતાના શુભ પ્રસંગે પોતે જ કાર્યરત નારી અહીં સ્થાન પામી છે.

પછીતે એટલે મકાનના પછવાડાની ભીંતનો ઓરડાની અંદરનો ભાગ અને કરો એટલે ઓંસરી તથા ઓરડાની વચ્ચેની ભીંતનો ઓરડાની અંદરનો ભાગ તથા ટોડલો એટલે ઓરડા અને ઓંસરી વચ્ચેની ભીંતનો ઓંસરીમાંનો ભાગ–આ ત્રણેય સ્થાનની અહીં વાત છે. પહેલાં ટોડલાની એટલે ઓંસરીમાંની ભીંતની વાત કરી, ત્યાં મોર ચીતર્યા છે અંદર તે ઓરડામાં પછીતે પૂતળીઓ ચીતરી છે અને કરે ગણેશની સ્થાપના કરી છે. લોકસંસ્કૃતિનું ઘર, ઓંસરી, ફળિયું આ બધું હવે તો ઉદાહરણરૂપે જ સમજાવવાનું છે. આધુનિક સ્થાપત્યકળાનો પ્રભાવ ગામડા સુધી પ્રસર્યો છે. એ સંદર્ભમાં લોકઘરની કલ્પના આમ શબ્દના માધ્યમથી સમજાવવાની જ રહી.

લીલું ગજનું કાપડું અને એને બાંય ઉપર કસબી કોર લગાવી છે. બાવનગજની ચૂંદડી અને ચણિયે કેવડની કોર લગાવી છે. ચૂંદડીની કોરે ઝીણી ઘુઘરી જડાવી છે. આ બધો અસબાબ-ઠાઠ કરીને તૈયાર થઈ છે. પરંતુ આણું તેડવા પરણ્યો નહીં, અન્ય શ્વસુર પરિવારજનો નહીં પણ શ્વસુર આવ્યા છે, હવે સમજાય છે કે ભોગાવો ગાજે છે એટલે શું? પણ છતાં આ પ્રસંગને, પ્રસન્નતાથી વધાવતી અને ટોડલે ચીતરેલા મોરના, પછીતે ચીતરેલી પૂતળીના ટહુકારની કલ્પના કરીને પ્રસન્નતાથી પરિસ્થિતિને જીરવતી - જીવતી નારીનું ચિત્ર અહીં ભોગાવો ગાજે છે ના આવર્તનથી પ્રગટે છે.

ઝાલાવાડની સુકી ધરતીમાં પણ મનને કોળેલું રાખતી, અભાવ વચ્ચે પણ સભરતાનો અનુભવ કરતી નારીનો હકારાત્મક અભિગમ ધ્યાનાર્હ છે. લોકગીત પ્રદેશની નારીની અવસ્થિતિને પ્રગટાવે છે, એના સહનશીલ વ્યક્તિત્વને પ્રગટાવે છે
અને જીવનમાં પરિસ્થિતિને પામીને પ્રસન્નતાથી રહેવાનો વેદનશીલ ઉપદેશ પણ કથે છે. કારણ કે એની સામે અન્ય કોઈ વિકલ્પ નથી. એટલે આ પરિસ્થિતિ કરતા પેલી પરિસ્થિતિને સ્વીકારીને જીવન વ્યતીત કરવું. લોકગીતમાં ઢબુરાયેલી વેદનશીલ અવસ્થિતિનું ભાન કરતું ભોગાવો સંજ્ઞાથી ઘણું બધું સૂચવી જતું આ લોકગીત તરણેતરના મેળામાં પણ સાંભળવા મળેલું. સમૂહગાન વખતે એના ધીરા, ગંભીર ઢાળમાંથી પણ વેદનશીલતા જ દ્રવતી અનુભવાતી હતી. કોળી-રબારી સમાજના આવા કેટલાક આગવા લોકગીતોનો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી પણ અભ્યાસ થવો જોઈએ.


0 comments


Leave comment