2.23 - ફટાણા લગ્નગીતની મોજ/ બળવંત જાની


‘ફટાણા’ લગ્નગીતોની એક પરંપરા છે. એમાં અશ્ર્લિલ કે બીભત્સ વિગતો હોય છે એવો એક મત પ્રવર્તે છે. પણ સાવ એવું નથી, એમાં ભારોભાર વિનોદ, કટાક્ષ અને નક્કર વાસ્તવને હાસ્યના માધ્યમથી અભિવ્યક્તિ મળતી હોય છે. ફટાણા વિષયે ગુજરાતીમાં વિગતો સંશોધન કરવા જેવું છે.

સંસ્કૃત ધાતુ ‘સ્ફૂટ’ના અર્થાનુસાર ખુલ્લંખુલ્લી રીતે સ્પષ્ટ કરવું એવો પ્રચલિત સંદર્ભ ‘ફટાણા’ સંજ્ઞા સાથે બંધ બેસે છે. સંસ્કૃત ધાતુ ‘ફટાણા’ અર્થાનુસાર લુચ્ચો-છેતરનારનો સંદર્ભ ફટાણા જેને માટે ગવાય છે એ છેતરનાર છે એવી પ્રાચીન ધારણા ભળેલી દ્રષ્ટિગોચર થાય છે. આવા પ્રાચીન સંસ્કૃત સંદર્ભોની સાથે ‘ફટાણા’ને સાંકળી શકાય. લોકચિત્તમાં ફાટ શબ્દનો અર્થ અભિમાન-દર્પથી છલકાતા એવો થાય અને જેમ હાટમાંથી હટાણું એમ ફાટમાંથી ફટાણું શબ્દ પ્રચલિત બનેલ હશે, ફટાણું એ એક પ્રકારનું જોડકણું લોકગીત છે એમાં પાત્ર-પરિસ્થિતિનુસાર ખૂબ બધું બદલાતું રહે છે એ ભળતું રહે છે. એ રીતે લોકગીતમાં ફટાણાનો પ્રકાર ઘણો વિશિષ્ટ છે.

ફટાણાની સાથે ભૂંડુ, અશિષ્ટ કે અશ્ર્લિલ બીભત્સ એવો એક અર્થસંદર્ભ પ્રચલિત થયો છે; પરંતુ હકીકતે આ ફટાણા અશ્ર્લિલગીતો નથી. આવા અર્થસંદર્ભથી ફટાણા ગીતો લોકસંસ્કૃતિમાંથી લુપ્ત પણ થતા રહ્યા છે. ઘણાં પ્રાચીન-ફટાણા પણ ઉપલબ્ધ છે. લગભગ તમામ જ્ઞાતિમાં ફટાણા ગીતો ગાવાની પરંપરાના ઉલ્લેખો મળે છે.

ફટાણા પાછળ લોકમનોવિજ્ઞાન પણ નિહિત છે. સામા પક્ષની વ્યક્તિઓ વિષયે ફટાણા ગાઈને તેની સહનશક્તિનું માપ મળી જાય છે, અને એક પ્રકારના સંવાદની પરંપરાનો આ નિમિત્તે આરંભ થાય છે. ફટાણું આનંદ-ઉલ્લાસની પરાકોટિરૂપ અભિવ્યક્તિ છે. એ રીતે ફટાણું આનંદ-ઉલ્લાસનું પ્રતીક છે. વળી, જ્યારે આનંદપ્રમોદ માટે કોઈ માધ્યમ ન હતાં, અને કન્યા વિદાયનું કરુણ ઘેરું વાતાવરણ છવાયેલું હોય ત્યારે ફટાણા ગાન દ્વારા એક પ્રકારની વિનોદની રેખા ખેંચાય, ભોજન કે વિધિવિધાન સમયે ફટાણાશ્રવણ આનંદપ્રમોદદાતા ગાન બની રહેતું. આવા કારણે ફટાણાને વિનોદગીતો કે નર્મમર્મ પરિહાસના ગીતો જેવી સંજ્ઞા પણ મળેલી છે. ક્વચિત્ એમાં ધૂળ કે અશ્ર્લિલ રૂપ પણ પ્રસંગોપાત્ત ભળ્યું હશે. જો કે આ બધું વ્યક્તિસાપેક્ષા પણ છે, સામસામા સંવાદાત્મક રૂપે ફટાણાગીતો ગાવાની પણ પરંપરા હતી. ફટાણાગીતોનો પ્રકાર ખૂબ જ વિવિધતાસભર છે. ફટાણાનાં સાંજીગીતો પણ ઘણાં છે. ફટાણામાં માત્ર વેવાઈ સગા સ્નેહીઓને જ નહીં પરંતુ લગ્નવિધિ કરાવનાર ગોર-પુરોહિતને લગતા ફટાણા પણ ઉપલબ્ધ છે. લગ્નની વિવિધ વિધિના અને ભોજનસમયે ગાવાના પણ ફટાણાઓ છે. આમ, ફટાણાઓ વિવિધ પ્રકાર પ્રસંગના હોઈને વિપુલતાની સાથે એમાં વિવિધતા પણ ભળેલી છે. તમામ જ્ઞાતિમાં ફટાણા ગવાય છે એ રીતે તમામ ભાષાના ફટાણા પણ મળે છે. એક પ્રકારની મજાક મશ્કરી, મહેણાં-ટોણાં અને વિનોદ ઉલ્લાસની અભિવ્યક્તિ ફટાણા છે. એ માત્ર લગ્નગીતો નથી. આપણી મજાકવૃત્તિનું અને સહનશીલતાનું ઉદાહરણ છે. એમાં વિવિધ બોલી, વિવિધ ખાસિયતો, માન્યતાઓ અને પ્રાદેશિક પરંપરાઓ નિહિત હોઈને લોકસંસ્કૃતિનું જ નહીં પણ લોકમાનસનું મહત્વનું ઉદાહરણ છે.

લગ્નવિધિની જૂની પરંપરા સાથે ફટાણાં લગ્નગીતોની પરંપરા કેટલીક જ્ઞાતિઓમાં હજુ પણ જીવંત છે. અમારા એક સમયના સંનિષ્ઠ વિદ્યાર્થી પ્રોફે. ખીમજી કરમરાના આગ્રહે આવી એક લગ્નવિધિમાં ઉપસ્થિત રહેવાનું થયેલું. એ પ્રસંગે એક જીવંતપરંપરા રૂપ ફટાણું પ્રાપ્ત થયું હતું. શહેરથી દુર-સુદુર આજે પણ જંગલમાં નેસડામાં રહેતી માલધારી ભરવાડ જ્ઞાતિ એના જૂના રીત-રિવાજો, પોષાક જાળવી રાખીને એકવીસમી સદીમાં પ્રવેશશે. પણ સમયનો ભારે મોટો પ્રભાવ હોય છે. દૂરસુદૂર વસતી પ્રજાને પણ સમયનો રંગ ન લાગે એવું તે કેમ બને? ત્યાં લગ્નપ્રસંગે ગવાયેલ જૂના ઢાળનું ફટાણું પણ ભારે કોઠાસૂઝથી કેટલીક નૂતન વિગતોને અભિવ્યક્તિ અર્પતું હતું. મેં જવાહરલાલ હાંડુ સાથે લોકગીતમાં ઉમેરાઈ જતા આધુનિક સંદર્ભોના ઉદાહરણ તરીકે લોકવિદ્યાના દ્રષ્ટાંત ચર્ચા-પરિચર્ચા દરમ્યાન ટાંકેલું. ભારતીય ભાષાઓના અનેક લોકવિદ્યાવિદ્દોને આ વિગત સ્પર્શી ગયેલી.

મારા નવલા રે વેવાઈ તમે સાંભળજો,
હું તો કરું છું મારા દલડાની વાત
જાનૈયા સહુ સાંભળજો (૨)...(૧)

તમે રૂડું ઘરચોળું લઈ આવ્યા નવી ફેશનનું,
તમે મોરજલીમાં કર્યો અતિ લોભ
જાનૈયા સહુ સાંભળજો (૨)...(૨)

તમે રૂડું પોલકું લઈ આવ્યા નવી ફેશનનું,
તમે કાપડામાં કર્યો અતિ લોભ
જાનૈયા સહુ સાંભળજો (૨)...(૩)

તમે રૂડી ચૂડીયું લઈ આવ્યા નવી ફેશનની,
તમે બલોયામાં કર્યો અતિ લોભ
જાનૈયા સહુ સાંભળજો (૨)...(૪)

અમે કન્યા લઈ આવ્યા નવી ફેશનની,
પણ તમે મુરતિયામાં કર્યો અતિ લોભ
જાનૈયા સહુ સાંભળજો (૨)...(૫)

અહીં જ્ઞાતિના મૂળ પહેરવેશને બદલે નવી ફેશનની અસર હેઠળ વરપક્ષ તરફથી આધુનિક પોષાક આવેલ છે એને ફટાણા-વિનોદગીતમાં સ્થાન આપ્યું છે. મૂળ જૂના રિવાજ મુજબ તો મોરજલી ચૂંદડી, અતલસનું કાપડું અને હાથીદાંતના બલોયા લાવવાના હોય એને બદલે ઘરચોળું, પોલકું અને ચૂડીઓ લાવવામાં આવી છે. રૂઢિભંજક તરફનો અણગમો અહીં પડઘાય છે. કેવી રીતે કેવી પરિસ્થિતિમાં આ અભણ ભરવાડ યુવતીઓએ આવા સમયના પરિબળને પડકારતા ફટાણા ઘડી-રચી કાઢયા હશે એ વિચારવા જેવું છે. લોકગીતોના જન્મ પાછળ આવી અવનવી આવશ્યકતાઓ પણ ભારે કારણભૂત હોય છે.

નવલા વેવાઈને સંબોધન છે પણ બધું સંભળાવે છે જાનમાં આવેલા સમૂહને. આપેલ નૂતન વસ્તુ રૂડી લાગે છે એનો સ્વીકાર છે પણ પ્રાચીન પરંપરા પરત્વે દાખવેલ લોભીવૃત્તિને અહીં તીવ્રતાથી પડકારી છે. ભારે મર્મ, કોઠાસૂઝ અને તત્કાલીન પરિસ્થિતિને ભારે કુનેહથી સાંકળી લેવાની દ્રષ્ટપૂત નારીનું અહીં દર્શન થાય છે.

ગીતની અંતિમ પંક્તિ ભારે ચોટદાર છે. નવી ફેશનની વસ્તુને અનુરૂપ-અનુકૂળ એવી અમારી કન્યા છે પણ તમે જે ફેશનદાર વસ્તુ લાવ્યા એવો ફેશનેબલ વરરાજો નથી. એ તો છે પૂરો પરંપરાગત રીત-રિવાજોમાં શ્રદ્ધા ધરાવનારો. પરંપરાથી આધુનિક બની શકાતું નથી ચિત્ત-મનનો વિકાસ મહત્વનો છે. અહીં બાહ્ય આધુનિકતા અને આંતરિક પરંપરાનિષ્ઠા વચ્ચેના વિરોધાભાસને ભારે ઝટકાથી નિરૂપેલ છે. લોકગીતો-લગ્નગીતો આવા શાશ્વતભાવોને કારણે સમુહભોગ્ય બની જતા હોય છે.


0 comments


Leave comment