2 - નિવેદન / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


કંઠસ્થ પરંપરાની કવિતા લોકગીત, ભજનો, દુહા, ગિનાન, ચારણીના ભીલીગીત અને વહીવંચાના કવિતાને મૂલવવાના- આસ્વાદનાં કાર્યમાં છેલ્લા બે દાયકાથી ક્રિયાશીલ છું. અર્વાચીન કવિતાના આસ્વાદ કરતાં-વિવચન કરતાં કંઠસ્થ પરંપરાની રચનાઓને મૂલવતી વેળાએ મારે કઈ બાબતનો સામનો કરવાનો આવ્યો, કેવા-પ્રશ્નો-સમસ્યાઓ અર્થઘટનમાં નડ્યા, એનું નિરાકરણ મેં કેવી રીતે મેળવ્યું, ક્યું અભિગમ મને ઉપકારક રહ્યો એ બધું પણ નોંધુ. આસ્વાદ કાર્ય લેખન ક્યારેક તો મહિનાઓ સધી ચાલે અનેકને પૃચ્છા કરવાનું પણ બને ભજનના આસ્વાદકોના કાર્યમાંથી પસાર થઈને એમની પદ્ધતિનો પરિચય પણ મેળવેલો. લોકગીતના થોડાં આસ્વાદો-વિવેચન પણ મેળવેલા. કંઠસ્થ પરંપરાના બાવન ભજનોના આસ્વાદ-અર્થઘટનનું પુસ્તક ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું’ પ્રકાશિત કર્યું ત્યારે ભજનના આસ્વાદ માટેની મારી પ્રક્રિયાને દર્શાવતો પ્રાસ્તાવિક લેખ આગળના ભાગે પ્રવેશક રૂપે મૂકેલો. ત્યારે સદ્દગત સુરેશ દલાલે કહેલું કે ‘તમે ભલે સિદ્ધાન્તચર્ચા-વિભાવના બાંધી આપી છે એવું સ્પષ્ટપણે નથી કહેતા પરંતુ ભજનને મૂલવવાની-પામવાની તમારી પોતીકી પ્રકિયા તો દર્શાવી જ છે એમાંથી મને તો ભજન આસ્વાદના ઘટકો નજરે ચડે છે.’ એમણે જ મને આવું લોકગીતનું પણ કરી આપજો એમ કહેલું. તેઓ તો અનંતની યાત્રાએ નીકળી ગયા. મારું કામ ચાલતું રહેલું લોકગીતોના આસ્વાદો કરાવતો રહેતો.

ગુજરાતી લોકગીતના કુલ અઠાવીશ જેટલા આસ્વાદ અને અવબોધના-અર્થઘટનના લેખો તૈયાર થયા. પ્રથમ ખંડમાં ચાર આસ્વાદો કોઈ એકાદ લોગીતના ભાવવિશ્વની આસપાસ એને સ્પર્શતા દ્રષ્ટાંતો અને એમાંથી શું અર્થ નિષ્પન્ન થાય છે એને સ્પર્શતા છે. બીજા ખંડમાં કુલ ચોવીશ જેટલા લોકગીતોના આસ્વાદ, એમાંથી નિષ્પન્ન થતો અર્થ દર્શાવતા-દર્શાવતા કરાવ્યા છે. લોકગીતની પસંદગી મેં વૈવિધ્ય જળવાય એ રીતે કરી છે. સાતેક ગીતો તો મેં જ ક્ષેત્રકાર્ય સ્વરૂપે મેળવેલા છે. થોડાં ગીતો સામયિકોમાંથી અને થોડાં અત્યંત પ્રચલિત હતા તે ગીતો પણ પસંદ કર્યા છે.

ભીલીગીતોના આસ્વાદમાં ઊંડો ઊતર્યો તો મને એનાં ગુજરાતીથી આગવા ઘાટ-ઘડતરનો પરિચય થયો એટલે એનો સ્વરૂપલક્ષી પરિચય કરાવવાનું બન્યું. એવું જ પરિવારભાવનાની મૂલ્યનિષ્ઠાનો મહિમા ગાતું લોકગીત આસ્વાદતા એના કથનકળાનો સ્વરૂપ સંદર્ભે વિગતે વિચારવાનું બન્યું. ચારણીગીત, રાસડો જેવા ગીતોના આસ્વાદ નિમિત્તે પણ સ્વાધ્યાય થયો-વિશદ વિગતપૂર્ણ અભ્યાસલેખો અને સ્વરૂપવિચારણા કરવાનું બન્યું
ભજન આસ્વાદનું ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું’ વાંચીને આદરણીય ડૉ. નરેશ વેદે લખેલું- ‘તમે લોકગીતના આસ્વાદમાં પણ ક્રિયાશીલ છો, કેટલાંક લખાણો વાંચ્યા છે તમે જે ઘટકની મદદ લઈને કે જે બાબતોમાંથી અર્થઘટનની દિશા પ્રાપ્ત કરી અને નોંધીને આરંભે વિગતે તમારી રસદર્શનની પ્રક્રિયાનું સ્વરૂપ ચર્ચાતો પ્રવેશક પણ કરજો.’ એમના સૂચન મુજબની નોંધનું પરિણામરૂપ ગુજરાતી લોકગીતો : આસ્વાદ, અવબોધ અને અર્થઘટનની પ્રક્રિયાનું સ્વરૂપ પ્રવેશક અહીં પ્રારંભે પ્રસ્તુત કર્યો છે. મારા આ આસ્વાદ સ્વાધ્યાયને ‘કોયલ બેઠી આંબલિયાની ડાળ’ શીર્ષકથી પ્રકાશિત તૈયાર કરીને આદરણીય નરેશભાઈને મારા આ સ્વાધ્યાય વિશે પ્રતિભાવરૂપ લખાણ લખી આપવાની વિનંતી સાથે મોકલી આપ્યું. તેઓ વ્યાખ્યાનો અને વિદ્યાકાર્યમાં અત્યંત વ્યસ્ત છતાં મને પ્રતિભાવલેખ લખી આપ્યો એ બદલ એમના પરત્વે ઋણભાવ પ્રગટ કરું છું.

ભાયાણીસાહેબ અને જયમલ્લ પરમાર મારી આ કામગીરીના સાક્ષી હતા. તેઓ કશુંક ને કશુંક ચીંધતા રહેતા. ડૉ. નરેશભાઈ ઉપરાંત ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. નિરંજન રાજ્યગુરુ મારી વિદ્યાયાત્રાના દ્રષ્ટા રહ્યા છે. પ્રસંગોપાત સૂચવતા રહે, પૃચ્છા કરે તો વિગતે વાત કહે, પોતાની પાસે હાથવગું હોય તે પાઠવે. અહીંના સન્મિત્ર કવિશ્રી લલિત ત્રિવેદી, અરવિંદ ભટ્ટ, અંબાદાન રોહડિયા અને સંજુ વાળાના સદ્ય પ્રતિભાવો સાંપડતા રહ્યા છે. આ લેખો જે-જે સામયિકોમાં – ‘શબ્દસૃષ્ટિ’, ‘કવિલોક’, ‘કુમાર’, ‘પરબ’, ‘સન્ધિ’, ‘તથાપિ’ અને ‘લોકગૂર્જરી’માં પ્રકાશિત થયેલા, એ બધા તંત્રીઓ પરત્વે પણ આભારની લાગણી પ્રગટ કરું છું.
- બળવંત જાની


0 comments


Leave comment