3 - ગુજરાતી લોકગીતો : આસ્વાદ અને અવબોધની પ્રક્રિયાનું સ્વરૂપ / બળવંત જાની


અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિવેચન માટે સૈદ્ધાન્તિક અવધારણા અને પુરોગામીઓના પ્રત્યક્ષ વિવેચનકાર્યનો ઊંડો અભ્યાસ પૂરતો ગણાય. જ્યારે લોકસાહિત્યના વિવેચન માટે આટલું પૂરતું નથી એમ મને જણાયું છે.

આપણે લોકસાહિત્ય અને એના વિવિધ સ્વરૂપો સંદર્ભે પશ્ચિમના વિદ્વાનોની સિદ્ધાન્તલક્ષી વિચારણાથી પરિચિત હોઈએ. ગુજરાતના મેઘાણી, ભાયાણી, જયમલ્લ પરમાર, પુષ્કર ચંદરવાકર, કનુભાઈ જાની, ડૉ. શાંતિભાઈ આચાર્ય, ડૉ. હસુ યાજ્ઞિક, ખોડિદાસ પરમાર, જોરાવરસિંહ જાદવ આદિના સ્વરૂપલક્ષી અને કૃતિલક્ષી મૂલ્યાંકન કાર્યથી પરિચિત હોઈએ, એનો ઊંડો અભ્યાસ કર્યો હોય એટલેથી લોકસાહિત્યના મૂલ્યાંકન માટે સક્ષમ બની જવાતું નથી. આ ઉપરાંત લોકસાહિત્યની રચનાઓના મૂલ્યાંકન માટે પ્રદેશના વિવિધ વિસ્તારલક્ષી તળપદી સંસ્કૃતિની અભિજ્ઞતા, લોકમાન્યતા, રીત-રિવાજોનો નીકટનો પરિચય અને ઈતિહાસ, નૃવંશવિદ્યા તથા પરંપરિત સમાજની વિવિધ જાતિઓ સાથેનો એના પ્રાચીન-મૂળ નિવાસસ્થાનેથી સહજ રીતે કેળવેલો ઊંડો પરિચય ન હોય તો એ લોકગીતો એક કૃતિ તરીકે આપણામાં પૂરા ઉઘાડ પામતા હોતા નથી. એ તો જ સમજાય જો આપણી જાતને એની સાથે જોડી હોય-સાંકળી હોય.

• પૂર્વભૂમિકા? ::

લોકગીત આસ્વાદ, અર્થઘટન-વિવેચન ક્ષેત્રે આપણે ત્યાં બહુ ખેડાણ નથી થયું એની પાછળ આવી અભિજ્ઞતાનો અભાવ કારણભૂત છે. કાવ્યાસ્વાદો હજાર મળે છે પણ લોકગીતના આસ્વાદો પૂરા એકસો ઉપલબ્ધ નથી, મારી પોતાની અનેક અભિગમોને પ્રયોજવાની વૃત્તિ છતાં હું એમ બધું કરી શક્યો નથી, આ અઠ્ઠાવીશ જેટલા ગીતો પસંદ કરતા, પાઠ મેળવતા એના અર્થને ખોલતા મને પંદર-વીશ વરસ લાગ્યા, પણ મનમાં ધારણાં બાંધેલી કે યથાસમયે લોકગીતની રચનાને મમળાવવી. હાંસિયામાં બધું નિર્દેશવું, પછી લખવું. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી એ મેં અપનાવેલા અભિગમને-રીતને નોંધરૂપે રજૂ કરવી.
લોકગીતના આસ્વાદની પ્રક્રિયામાં મોટેભાગે મારે ત્રણ ડગલાં દરેક રચનામાં ભરવાના રહ્યા. આ ત્રણ ડગલાના સ્વરૂપની મેં દાખવેલી-અપનાવેલી વિભાવનાને અહીં સમજાવવા ધારી છે. આ ઉપરાંત મારા પોતાના મુકાબલાને, મારી પોતાની મથામણને પણ અહીં મેં આલેખી છે. એમાંથી લોકગીતના આસ્વાદ કે વિવેચન પ્રક્રિયાનું એક રૂપ બંધાય છે, એક માળખું રચાય છે. પુષ્કર ચંદરવાકરના ઘણાં આસ્વાદોમાંથી હું પસાર થયો એમાં પ્રગટતી-આલેખાઈ જતી પ્રાસંગિકતા કે કટારલેખનને કારણે પ્રવેશી જતું લાઘવ કૃતિને પૂરું ખોલતું અનુભવાયું નથી. અનેક ઉત્તમ આસ્વાદો પણ આપણને એમની પાસેથી જ મળ્યા છે. જયમલ્લ પરમારના અર્થઘટનો ભારે પ્રમાણભૂત અને કવિગત. ભાયાણી સાહેબ અને હસુ યાજ્ઞિકના ઈતિહાસલક્ષી. શાંતિભાઈ આચાર્યના ભાષાલક્ષી અહીં આરંભે આપણે ત્યાંના આ વિદ્વાનોના કાર્યની, મહત્વના પ્રદાન રૂપ ટૂંકી વિગતો રજૂ કરી છે, એમાંથી પણ એક પદ્ધતિનો આલેખ મળી રહે છે.

જવાહરલાલ હાંડુ, પ્રોફેસર બાજવા, ગુરુ ભગતસિંગ કે સુરજિતસિંઘ જેવા ભારતીય વિદ્વાનોએ લોકગીતના-રચનાના નિકટના પરિચય પછી ફોર્માલિસ્ટિક કે સ્ટ્રક્ચરાલિસ્ટિક અભિગમથી કરેલા લોકસાહિત્યકૃતિઓના મૂલ્યાનકનમાંથી પસાર થયા પછી પણ મને ગુજરાતી લોકગીતને મૂલવવા માટે કોઈ અભિગમ સીધે સીધા ખપમાં ન લાગ્યા. ડૉ. હસુ યાજ્ઞિકે ભારે શાસ્ત્રીયતાથી મોટિફલક્ષી અભિગમથી વનવાસી મહાકાવ્યને મૂલવ્યા. પશ્ચિમના સિદ્ધાન્તો ઉપરાંત આપણે ત્યાંના લોકમહાકાવ્યોની રચનાઓને આધારે ભારતીય લોકમહાકાવ્ય પરંપરાને ગુજરાતી લોકમહાકાવ્ય કઈ રીતે સમૃદ્ધ કરે છે એ વિગતે સમજાવ્યું.

મેઘાણીએ વિવિધ પ્રાંતના લોકગીતો સાથે તુલનાવીને ગુજરાતી લોકગીતમાંથી પ્રગટતા સમાન પ્રવાહને ચીંધી બતાવ્યો. વિવિધ વિધિ-વિધાનલક્ષી ગીતોના સંચય અને સુદીર્ઘ ઉપોદ્દઘાત દ્વારા લોકગીત સ્વરૂપની કૃતિઓની વિશિષ્ટતાઓ પણ તારવી.

ભાયાણી સાહેબે લોકગીતના સંપાદનના પ્રશ્નોને આપણી સંપાદન પ્રવૃત્તિને અનુષંગે ચર્ચ્યો એટલું જ નહીં તેમણે ધોળ-લોકગીતના મૂળ ઢાળ સ્વરાંકિત કરાવ્યા અને એનું પ્રાચીન કથન કે ઈતિહાસ પરંપરામાં અનુસંધાન સ્વરૂપે જોડીને કથનકળાના રૂપને ખોલી બતાવ્યું. કનુભાઈ જાનીએ લોકગીતના સંપાદનનો ઈતિહાસ આલેખ્યો. લોકગીતના વિવેચનને પણ પ્રમાણ્યું. અમૃત પટેલે જ્ઞાતિકેન્દ્રીય વિધિ-વિધાનો, લોકકલ્પના વૈભવને લોકગીતના અર્થઘટન માટે ખપમાં લીધા.
જયમલ્લ પરમારના લોકગીત આસ્વાદ લેખોમાંથી બહુધા સારા લોકગીતને એમાંની વિષયસામગ્રી અને ઢંગ-ઢાળની પરંપરા તથા જાતિગત-પ્રદેશગત વિશિષ્ટતાને અનુષંગે મૂલવવાની પોતીકી રીતનો પરિચય મળી રહે છે. ખોડીદાસ પરમાર દ્વારા બહુધા ગોહિલવાડ અને મધ્ય ગુજરાતની લોકગીત સામગ્રીને સંપાદિત કરી અને જયમલ્લભાઈ પરમારની પદ્ધતિએ મૂલવી.

સૌથી વિગતે અને અભ્યાસનિષ્ઠાથી, શાસ્ત્રીયસભાનતાથી મૂલ્યાંકનનું મોટું કામ કર્યું પુષ્કર ચંદરવાકરે. ‘નવો હલકો’, ‘ચંદર ઊગ્યે ચાલવું’ અને ‘વાંસળી વાગી વાલમની’માં નવા વિશેષ લોકગીતો ક્ષેત્રકાર્ય મેળવ્યા, સંપાદિત કર્યા, અર્થો-સંદર્ભો સ્પષ્ટ કર્યા અને નૃવંશવિદ્યાકીય અભિગમ ક્યાંક વિષયલક્ષી ધોરણે, ક્યાંક વર્ણનાત્મક રીતિની પદ્ધતિએ લોકગીત સાપેક્ષ બનીને સમૂચિત રીતે મૂલ્યાંકન પણ કર્યું. પ્રોફે. ચંદરવાકરના લોકગીત સંપાદન અને મૂલ્યાંકન ક્ષેત્રની એમની આ શાસ્ત્રીય સેવાઓનું બહુ મૂલ્યાંકન આપણે ત્યાં થયું નહીં. અભ્યાસીઓએ પણ એ લક્ષમાં ન લીધું. પુષ્કર ચંદરવાકર પાસે પશ્ચિમી સિદ્ધાન્તોનો અભ્યાસ, સમકાલીન ભારતીય વિદ્વાનોના સંશોધન-સંપાદન લેખનકાર્યનો સંપર્ક અને નીજી કાર્ય પ્રવાસ એમ બધી જ બાબતો ભાથામાં. એનો સીધો વિનિયોગ લાભ આ ત્રણેય સંપાદનો અને બીજા આસ્વાદ લેખોના સંચયરૂપ લોકવિદ્યાવિષયક વિવેચન ગ્રંથોમાંથી અવલોકવા મળે છે.

મારી પાસે ભાથામાં મેઘાણી, ભાયાણી, કનુભાઈ જાની, જયમલ્લ પરમાર, ખોડિદાસ પરમાર, પુષ્કર ચંદરવાકર અને હસુ યાજ્ઞિકના લેખનના સંપાદનના ગ્રંથો એમાંના મોટા ભાગના બધા સાથે નીકટનો સંપર્ક સંબંધ આ વિષયમાં ક્રિયાશીલ પશ્ચિમના અને ભારતના જે. ડી. સ્મિથ, એ. કે. રામાનુજનથી માંડીને હાંડુ-બાજવા અને નરેશ વેદ, નિરંજન રાજ્યગુરુ સુધીના અનેક વિદ્વાનોના કાર્યનો અહીં એમની પ્રત્યક્ષ મુલાકાતથી મળેલ વિગતો મારા આ કાર્યની દિશામાં મને ભારે મદદરૂપ જણાઈ છે. કહો કે મારા કાર્યને જે રૂપ પ્રાપ્ત થયું એની પાછળ અભ્યાસ-વાચન ઉપરાંત આ બધા વિદ્વાનોની પ્રકાશિત તથા પ્રત્યક્ષ મુલાકાત સમયની વાતો, વિમર્શ અને સંવિવાદોનો પણ ભારે મોટો ફાળો છે.

• આસ્વાદસામગ્રી પરિચય ::

મારી પાસે પાઠભેદથી, ક્ષેત્રકાર્યથી મેળવેલા-એકત્ર કરેલા શતાધિક લોકગીતો છે. એમાંથી મેં જે અહીં અઠ્ઠાવીશના લોકગીતો આસ્વાદ પ્રસ્તુત કર્યા છે એમાંથી પ્રારંભના ચાર લેખોમાં સમાન ભાવવિશ્વ ધરાવતા ઘણાં લોકગીતોના અંશોને અનુષંગે આસ્વાદ કરાવેલ છે. એ પછી જે ચોવીસ આસ્વાદો છે એમાંના (૧૧, ૧૪, ૧૭, ૨૭, ૨૮) ગીતો મને ક્ષેત્રકાર્ય દરમ્યાન મળેલા એના આસ્વાદ અહીં મૂક્યા છે. બે ગીતો (૮. ૧૬)ના મારી પાસેના પાઠને અહીં સંપાદિત કરીને પ્રસ્તુત કરેલ છે. આમ, સાત લોકગીતો સાવ નવા જ અર્થાત્ ગુજરાતી લોકગીત પરંપરામાં ઉમેરણરૂપ છે.

આપણી લોકગીત પરંપરામાંથી અભ્યાસીઓને બહુ નજરે નહીં ચઢેલા, અને સંપાદનોમાં નહીં સચવાયેલા પણ ‘ઊર્મિનવરચના’, ‘સ્ત્રીજીવન’, ‘લોકગુર્જરી’ જેવા જૂના સામયિકમાંથી મેળવેલા લોકગીત પરંપરામાં એમાંની વિષયસામગ્રીને કારણે મને મહત્વના જણાયેલા. સાત ગીતો (પ, ૬, ૭, ૯, ૨૩, ૨૪, ૨૫) અગવા-અનોખા લોકગીતો તરીકે અહીં આસ્વાદ માટે પસંદ કર્યા છે.
ભારે પ્રચલિત લોકગીતોમાંથી અર્થઘટન સંદર્ભે મારે પોતાને કશુંક કહેવાનું થતું હતું-લાગતું હતું એવા આઠ લોકગીતો (૧૦, ૧૨, ૧૩, ૧૫, ૧૮, ૧૯, ૨૨, ૨૬) અહીં આસ્વાદ માટે પસંદ કર્યા છે.

એક-એક ભીલીગીત અને ચારણીગીતના ગુજરાતી લોકગીત સંદર્ભે આસ્વાદ કરાવવા આવશ્યક જણાયા. આથી ક્રમાંક ૨૦ અને ૨૧ એમ બે ગીતો પણ સમાવિષ્ટ કર્યા છે.

આમ, સમાન ભાવવિશ્વવાળા, ક્ષેત્રકાર્ય દ્વારા પ્રાપ્ત, સામયિકોમાંથી તથા પ્રચલિત સંપાદનોમાંથી મેં આસ્વાદ માટેના લોકગીતો પસંદ કર્યા છે.

પ્રારંભે નિર્દેશલ લોકસાંસ્કૃતિક પરિવેશથી પરિપ્લાવિત વ્યક્તિમત્તા ધરાવતી અભ્યાસી વ્યક્તિએ કેવી રીતના ત્રણ ડગલા ભરીને લોકગીતને પામવાનું અને પમાડવાનું હોય એની અવધારણા મારા અભ્યાસ અને અનુભવજગતને અનુષંગે અત્રે પ્રસ્તુત કરવા ધારી છે. આસ્વાદ અને અર્થઘટનનું સ્વરૂપ આ નિમિત્ત એમાંથી કેવુંક પ્રગટે છે એ પણ અવલોકવું હતું. ભિન્ન-ભિન્ન પ્રકારના અને પ્રકૃતિના લોકગીતો પસંદ કરીને એના કૃતિલક્ષી આસ્વાદ માટે કૃતિને અનુરૂપ-અનુકૂળ અભિગમ અપનાવીને કૃતિના હાર્દને સમજવાની-સમજાવવાની મારી પ્રક્રિયાના સ્વરૂપને પ્રસ્તુત કરવાનો ઉપક્રમ અહીં યોજ્યો છે.

• આસ્વાદની પ્રક્રિયાનું સ્વરૂપ ::

લોકગીતના આસ્વાદ અને અર્થઘટન સંદર્ભે મારા પ્રયત્નો-પ્રક્રિયાના દશેક ઘટકોને મેં ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરીને સમાવિષ્ટ કરી અહીં ચર્ચેલ છે. લોકભાવવિશ્વ, લોકમાનસ અને લોકમૂલક-તળપદી સંસ્કૃતિથી ઓળખાવેલા આ ત્રણ પગલાં કે સોપાન લોકગીતના મર્મકોષમાં પ્રવેશવા માટે સહાયભૂત જણાયા છે. આ ત્રણ પગલાં અંતર્ગત મેં તે તે આસ્વાદ્ય લોકગીતને અવલોકેલ છે. એ બધી વિગતો સમજીએ.

૧. લોકભાવવિશ્વની ઓળખ ::

લોકગીત અંતર્ગત નિરૂપાયેલ ભાવવિશ્વની ભાળ મેળવવી લોકગીત આસ્વાદ માટે પ્રથમ ડગલું છે. એમાંનું ભાવવિશ્વ એને લગ્નગીત અને લગ્નગીતમાંથી પણ કોઈ વિધિ સાથે સંબંધ જોડી આપે. લોકગીત ગૃહજીવનનું છે, દામ્પત્યજીવનનું છે. નારીકેન્દ્રી છે કે વ્યાપક સમાજલક્ષી સમસ્યાને ચીંધે છે ‘કે ઝરુખડે દીવા બળે રે લોલ’ ગીત લોકમાં નિહિત વીરભાવને જગાવતું-પુરસ્કારતું ગીત છે. પ્રારંભે એ ભાવથી જ જો અનભિજ્ઞ ન હોઈએ તો એને પણ મૂલવવાની રીત હાથમાં ન આવે. ભાવવિશ્વ સાથે સ્થળવિશેષના સંદર્ભો પણ સમજવાના રહે, આવા બધા ભાવસંદર્ભોથી અવગત થવાને કારણે ગીતને મૂલવવાની એનો અર્થ પકડવાની દિશા મળી રહે.

‘જો પૂજ્યા હોય મોરાર’ પણ પરિવાર ભાવનાના ભાવને પ્રગટાવતું લગ્નગીત છે. એમાંના સંદર્ભો ન સમજીને ગણેશ સ્થાપના અને પછીના સંદર્ભો પારિવારિક-કૌટુંબિક ઐક્યના વાચક છે એ ભાવ જો ન પકડાયો હોય તો, એને માત્ર લગ્નગીત અને એની સાથે સંકળાયેલી આ બધી વિધિઓ રૂપે જ માત્ર ઓળખાય છે. આમ, લોકભાવની સમજ લોકગીતના અર્થકોષભણી દોરી જતી કેડી છે. મેં આ લોકગીતનો વિગતે અભ્યાસ કરીને વિશદ્ રૂપે એમાંથી પ્રગટતા કથાનકળાના સ્વરૂપની ચર્ચા કરી છે. આસ્વાદમૂલક અભ્યાસલેખનું સ્વરૂપ આ કારણથી એમાં પ્રવેશેલું અહીં જોવા મળશે.

શ્રમધારીગીતો પણ જો એમાંના લોકનારી કે સમાજને કેવી કરુણ પરિસ્થિતિનો મુકાબલો કરવાનો છે એ ભાવને પ્રગટાવે છે એની ભાળ ન મળી હોય તો સાવ સામાન્ય નિરૂપણ રીતિનું ગીત લાગે. અહીં પ્રિયપાત્ર સાથે સંવાદ, ભારે શ્રમ અને પોતાને પક્ષે તો કઠોર વરવું વાસ્તવ ભોગવવાનું છે એનું ભાન ભાવકને કરાવતાં નારીપાત્રના સૂરને-સ્વરને ટૉનને ભાવવિશ્વની ઓળખને કારણે સમજીને એમાંના કરુણને ખોલવાનું-મૂલવવાનું શક્ય બને છે.

આણાંગીતને કે વિરહભાવના ગીતને પણ એના ભાવ સંદર્ભે ન અવલોકીએ તો જુદા જ અર્થઘટન પ્રતિ ચાલવાનું બને લોકગીતના ભાવવિશ્વને ધીરજથી, નિરાંતે બે-ચાર વખત વાંચીને પછી જ સમજી-પામી શકાય. અપાર ધીરજ, ચિંતન અને વિમર્શથી જ ખરું ભાવવિશ્વ સમજમાં આવે. આમાં ઉતાવળ ન ચાલે. જલદીથી પતાવવાનું પૂરું કરવાનું વલણ હાનિકારક છે.

ગુજરાતી લોકગીતોમાં ભીલીગીતો એક આગવું અને વિશિષ્ટ સ્વરૂપ છે. ચારપાંચ રીતે એ અનોખી મુદ્રા પ્રગટાવતું હોઈને એને એક સ્વાયત્ત પ્રકાર તરીકે સ્વીકારવાનું રહે અહીં ભીલ લોકગીતના સ્વરૂપની માંડણી શતાધિક મુદ્રિત ભીલ લોકગીતોને આધારે કરીને સાથે-સાથે એમાં એક ભીલી લોકગીતનો આસ્વાદ પણ વણી લીધો છે. આ નિમિત્તે સ્વરૂપની સિદ્ધાન્ત વિભાવના દર્શાવવાનું બન્યું અને ભીલ લોકગીતો પણ ગુજરાતી લોકગીતોથી જુદા પડીને કેટલા સંકેતાત્મક અર્થપૂર્ણ ધ્વનિને પ્રગટાવનારા છે એનો પરિચય પ્રાપ્ત થાય છે.

૨. લોકમાનસની મુદ્રાની ઓળખ ::

લોક-ગીતમાં હકારાત્મક-વિધેયાત્મક, વાસ્તવિકતા, કઠોર, કરુણ પરિસ્થિતિ સામે પ્રતિકાર નહીં પણ સહન કરીને એને જીરવવાની-જીવવાની વૃત્તિ પ્રકૃતિ લોકમાનસમાં નિહિત છે. જો આ વિધેયાત્મક દ્રષ્ટિબિંદુ આપણી સમજણમાં ન હોય તો લોકગીતનો મર્મ પકડાય નહીં.

‘મારા હીરાગર મોરલા ઊડી જાજે’. લોકગીત લોકનારી માનસનું ભારે બળકટ ઉદાહરણ છે. જે કલેજાની કોર છે, જે ચિત્તડાનો ચોર છે એને ઊડી જવાનું પણ નજર સમક્ષ રહેવાનું કહે છે. પોતાના કડલાં, ચૂડલા, હારલાં જેવા અલંકારો જેને આપ્યા છે એ અલંકારો સાથે રાખીને નજર સામે મોરને રહેવાનું કહેતી નાયિકા દ્વારા પૂર્વપ્રેમી પાત્રને માત્ર નજર સમક્ષ, દ્રષ્ટિ સમક્ષ રાખીને પ્રસન્ન રહેવાનો ભાવ નિરૂપાયો છે. એમાં અન્યને સમર્પિત થવું પડ્યું છે ત્યાં વફાદારી દાખવીને ખરાબ રીતે, દુરાચાર રૂપે કે દુર્વ્યવહારી બનીને પણ પૂર્વપ્રેમી પાત્ર પરત્વેના અભિગમને હકારાત્મક અભિવ્યક્તિ અર્પી છે.

એવો જ હકારાત્મકભાવ ‘તારી શીશીમાં ભરિયલ તેલ’, ‘રાજારામ ચાલ્યા રે વનવાસ’, ‘આજ મેં તો સપનામાં’, ‘હોલાની બોલી મને મીઠી-મીઠી લાગે’, ‘ભોગાવો ગાજે છે’ જેવા લોકગીતમાંથી તારસ્વરે નહીં પણ મંદ્રસ્વરે પ્રગટે છે. લોકગીતની આ જ વિશિષ્ટતા છે. લોકમાનસનો હકારાત્મક અભિગમ પણ મંદ્રસ્વરમાં ધીમેથી જનાન્તિકે પ્રબોધવાની–પ્રગટાવવાની વાત અહીં નિહિત છે. લોકગીતની આ મુદ્રા ન સમજ્યા કે પામ્યા હોઈએ તો ‘મારા હીરાગર મોરલા’માંનો ભાવ કે ‘હોલાની બોલી મને મીઠી-મીઠી લાગે’માંથી પ્રગટતો લોકમાનસનો ભાવસંદર્ભ પામી ન શકીએ. લોકગીત રાસડા રૂપે પણ પ્રસ્તુત થતા હોય છે. એમાં ઈતિહાસલક્ષી ઘટના પણ પ્રયોજાયેલી હોય છે. રાસડાનું કથાનક સંદર્ભ સાથે સંકળાયેલું હોય છે. રાસડાને આવા કારણથી ડૉ. નરેશ વેદ ‘રેફરન્શિયલ ટેકસ્ટ’ કહે છે. અહીં મેં એવા લોકમાનસની મુદ્રાને ઉદ્દઘાટિત કરતી એક રાસડાની ટેકસ્ટને પ્રસ્તુત કરીને ‘લોકનારીની ખુમારી અને રાજવીનું વાત્સલ્ય’ શીર્ષકથી આસ્વાદ કરાવેલ છે.

ચારણી લોકગીતો પણ ગુજરાતી લોકગીત પરંપરાની આગવી ધારા છે. એ ધારા કંઠસ્થ પરંપરામાં જળવાઈ છે પરંતુ નામછાપ, છંદ વિનિયોગમાં આગવી છટા અને વિષયસામગ્રી સંદર્ભે ઘણાં નૂતન પરિમાણો પ્રગટાવે છે. ખોડિયારની પ્રશસ્તિરૂપ ગીત રચના આસ્વાદ માટે સ્વીકારી છે. ઘણાં ડાયરામાં, સમૂહ સમક્ષ વિશેષરૂપે પ્રચલિત પરંપરિત પ્રકારની રચનાને એ માટે પસંદ કરીને એમાં કેવા-કેવા અર્થસંદર્ભો વર્ણનકલા અને છંદનું નિરૂપણ લય નિષ્પન્ન કરાવતું હોય છે તથા લોકમાનસમાં પડેલાં કેવા ઐતિહાસિક-સામાજિક તથ્યો એમાં વણી લેવાતા હોય છે એનો પરિચય આસ્વાદ નિમિત્તે પ્રાપ્ત થાય છે.

‘કોયલ બેઠી આંબલિયાની ડાળ’માં તો અન્યની ઉત્તમ કે વિશેષ બાબતને કશો અર્થ નથી. અન્યના ઉત્તમ સ્થાનનો કશો મહિમા નથી. હોલાને જેમ એનો તરફકડો વહાલો છે. કોયલને આંબલિયાની ડાળ. નીજને પ્રાપ્ત સ્થાને રહીને મજામાં રહીને જીવવાનો એક મહિમા આ લોકમાનસમાંથી પડઘાય છે. પોતે જ વિપરીત પરિસ્થિતિમાંથી પણ પોતાનો રસ્તો કાઢવાનો હોય છે આવું સૂચવતી આ લોકગીત પાત્રસૃષ્ટિનું લોકમાનસ સમજીએ તો જ એના મર્મને ઉદ્દઘાટિત કરી શકીએ. લોકગીતના મર્મકોષમાં પહોંચવા માટે લોકમાનસની મુદ્રાને પામવી-સમજવી અનિવાર્ય છે. અન્યથા લોકગીતના ધ્વનિને બદલે વિપરીત અર્થસંદર્ભ નીપજી આવતો હોય છે.

૩. લોકમૂલક તળપદી સંસ્કૃતિની અભિજ્ઞતાની ઓળખ ::

તળપદા શબ્દો, તળપદા રીત-રિવાજો, વિધિ-વિધાનો અને તળપદી લોકસંસ્કૃતિના સંદર્ભોથી અનભિજ્ઞ અભ્યાસી આ લોકગીતોનો ખરો-પૂરો આસ્વાદ ન લઈ શકે એ હકીકતનો ખરો મર્મ હું સમજી શક્યો. એટલે મારી દ્રષ્ટિએ લોકગીતના આસ્વાદ અને એનું અર્થઘટન કરાવવા તળપદી સંસ્કૃતિ પરત્વેની અનભિજ્ઞતા અવરોધ રૂપ બની રહે. લોકગીતના વિવેચન-આસ્વાદમાં કવિતાના આસ્વાદ-વિવેચનથી એક વિશેષ પ્રકારનું આવું કૌશલ્ય અનિવાર્ય છે. અહીં જોઈ શકાય છે કે કરો, પછીત જેવા શબ્દોના સંદર્ભનો અર્થનો ખ્યાલ ન હોય, ચૂડલા, ચૂંદડી, કપડાં અને આણાના વિધિ-સંદર્ભોની સમજ ન હોય કે સૂડા પક્ષીનાં ખરા સંદર્ભથી અવગત ન હોય એ અભ્યાસી લોકગીતમાં પ્રયોજાયેલા શબ્દ, સંદર્ભ કે રૂપકને પ્રમાણને મૂલવી ન શકે-માણી પણ ન શકે. આમ, લોકગીતમાં નિરૂપાયેલ-પ્રયોજાયેલ તળપદી લોકસંસ્કૃતિથી અભિજ્ઞિત હોવું લોકગીતના આસ્વાદ-વિવેચન-અર્થઘટન માટે અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. આવા અભિગમથી ભળેલા વિવેચનને-આસ્વાદને ટ્રેડિશનલ-એથનિક કલ્ચરલ એપ્રોચ. તળપદા-ગ્રામીણ લોકસંસ્કૃતિમૂલક અભિગમથી ઓળખવામાં આવે છે. કલ્ચરલ સ્ટડીઝમાં આ અભિગમનું પણ ભારે મહત્વ છે. એ કારણે ભૂંસાતી-લય પામેલી કે હ્રાસ પામેલી તળપદી સંસ્કૃતિનું દસ્તાવેજીકરણ લોકગીતમાં હોય છે. એ આસ્વાદ રૂપે અભ્યાસ-જ્ઞાનની પરંપરામાં ભળે છે અને આપણી સુસમૃદ્ધ જ્ઞાન પરંપરાની પરિચાયક બની રહે છે. આપણે ત્યાં પાશ્ચાત્ય પ્રભાવથી પ્રયોજાતા શબ્દોના
વિકલ્પે આપણે ત્યાં કેવા-કેવા વૈવિધ્યપૂર્ણ અર્થસંદર્ભ ધરાવતી પરિભાષાઓ અસ્તિત્વમાં હતી એનો પણ એમાંથી પરિચય મળી રહે છે.

આપણે ત્યાં લોકગીતોમાં પશુ કે પક્ષી એની પ્રવૃત્તિઓ પ્રકૃતિને કારણે કેવા અર્થવ્યંજક બની રહે છે એનો ખ્યાલ કોયલ, મોર, સૂડો, પોપટ, હીરાગર મોરલો, પારેવું, હોલું, ચકલી, બળદ, હરણી, ઘોડી જેવા પક્ષી-પ્રાણીના લોકગીતમાં થયેલા નિરૂપણથી આવે છે. એની તળપદી ઓળખ ન હોય તો લોકગીતના આસ્વાદમાં અવરોધરૂપ બને છે. કોયલ, હરણી, પારેવું, હોલું જેવા પક્ષીના સંદર્ભો લોકગીતને રૂપકાત્મક પરિમાણ અર્પનારા છે. માત્ર પ્રયોજવા ખાતર કોઈ પશુ-પંખીને પ્રયોજ્યા નથી, ભારે અર્થપૂર્ણ એવો એનો ઉપક્રમ લોકગીતમાંથી ઊપસતો હોય છે, એને ખોલવાથી-મૂલવવાથી અર્થ-ધ્વનિ પ્રગટ થાય. હોલા જેવા અપરિચિત પક્ષીની પ્રકૃતિપ્રવૃત્તિ લોકગીતને આગવું પરિમાણ અર્પનારી છે. હોલાના નિરૂપણવાળું આખું લોકગીત અહીં આસ્વાદ માટે આવા કારણથી પસંદ કર્યું છે અને એના રહસ્યો ખોલીને લોકગીતના અર્થનો એમાંના કરુણનો આસ્વાદ કરાવ્યો છે.

મને ‘લોકસાહિત્ય શબ્દકોશ’, ‘ભગવદ્દગોમંડળ’, ‘વિશ્વકોશ’ કે ‘પર્યાયકોશ’ પણ ઘણી વખત ખપમાં નથી લાગ્યા, એવા સમયે ભાયાણીસાહેબ, જયમલ્લ પરમાર, પ્રભાશંકર તેરૈયા, હસુ યાજ્ઞિક કે મારા દાદાજી સાથે લાંબી વાતો કરીને માહિતી મેળવવાનું બન્યું છે. મારી ડાયરીમાં ટપકાવેલી જયમલ્લભાઈ પરમાર, નરેશ વેદ, રામજી વાણિયા અને ભાયાણીસાહેબ સાથેની ચર્ચાનોંધો હવે ક્યારેક વાંચું છું ત્યારે ખ્યાલ આવે છે કે કેવી-કેવી ચર્ચાઓ લોકકથા કે લોકગીતના સંદર્ભે આ બધા વિદ્વાનો સાથે થયેલી.

મારો પોતાનો લૌકિક-ગ્રામીણ સંસ્કૃતિ સાથેનો ગાઢ અનુબંધ, વાચન-મનન અભ્યાસ પણ અહીં અર્થઘટનમાં મને મદદે આવ્યા છે. આમ, લોકમૂલક તળપદી ગ્રામીણ પરિવેશથી મુકુરિભૂત માનસ મને આ આસ્વાદલેખોમાં સહાયભૂત થયું છે, એટલે મને લાગે છે કે અભ્યાસ વાચનથી સાહિત્યના વિવેચક-આસ્વાદક તરીકે જાતને ઘડી શકાય પરંતુ લોકસાહિત્યના આસ્વાદ-અર્થઘટન માટે તળપદા-ગ્રામીણ પરિવેશનો જાત અનુભવ અને સમજણ અનિવાર્ય છે.

આ અનુભવ જગત સીમિત હોવાનું મને જેટલો ગાઢ અનુભવ વેરાવળનો-સોરઠનો, ઝાલાવાડનો હોય, એટલો ઉત્તર ગુજરાતનો ન હોય, દક્ષિણ ગુજરાત કે વનવાસી પ્રજાનો ન હોય. આમ, મારા પરિચિત વિસ્તારના લોકસાહિત્યને જેટલું તીવ્ર રીતે હું માણી-પ્રમાણી શકું એટલું તીવ્રતાથી-નીકટતાથી મારા અપરિચિત પ્રદેશના સાહિત્યને હું પ્રમાણભૂત રીતે મૂલવી ન શકું. તળપદા ગ્રામીણ સંસ્કારોથી પરિચિત વ્યક્તિ સમગ્ર લોકસાહિત્યના આસ્વાદ માટે અધિકૃત બની જતી નથી. લોકસાહિત્ય સાથે એક વિદ્યાશાખા રૂપે જ આ મર્યાદા એને વળગેલી છે. એ હકીકતને નજર સમક્ષ રાખવાની રહે. મેં અહીં વધુ ભીલીગીતો, દક્ષિણ ગુજરાતના ગીતો આવા કારણથી આસ્વાદ માટે લીધા નથી, મારી પોતાની ક્ષમતા, અધિકૃતતા જેટલી સીમામાં વિહરી શકવા સમર્થ છે એ વસ્તુ નજર સમક્ષ રાખવાની જ રહે. અન્યથા આપણે ધાર્યું પરિણામ ન મેળવીને આપણાં મૂલ્યાંકનને સમુચિત પરિમાણ ન અર્પી શકીએ.

• સમાપન ::

લોકગીતના આસ્વાદ-અર્થઘટન કે મૂલ્યાંકનનું સ્વરૂપ આખરે તો લોકગીત સાપેક્ષ બની રહે. જે પ્રકારનું પ્રકૃતિનું લોકગીત હોય એ પ્રકારનું એનું આસ્વાદનું રૂપ આંકવાનું રહે છે-ઊભું કરવાનું રહે. એમાં આપણું પોતાનું જે-તે પ્રદેશવિશેષ સાથેનું નીજ જોડાણ અનિવાર્ય છે. એ ઉપરાંત આપણે ત્યાં થયેલા કાર્યનો અભ્યાસ પણ અનિવાર્ય છે. એ પછી ભરવાના થતાં ત્રણ ડગ અને સંદર્ભગ્રંથો કે જાણતલ વ્યક્તિવિશેષ મહાનુભાવોનો સંપર્ક કરવાનું વલણ જ લોકગીતના હૃદયગવહરમાં પ્રવેશ શક્ય બનાવે છે. આસ્વાદ અને અર્થઘટનની પ્રક્રિયાની મારી એ યાત્રા, યાત્રામાં મેં અપનાવેલ અભિગમનો એક નકશો ટૂંકમાં અહીં સમજાવ્યો છે. લોકવિદ્યાક્ષેત્રે હમણાંથી ઘણાં બધા નવા-સવા તરુણ અભ્યાસી ક્રિયાશીલ બન્યા છે. એ બધા આપણે ત્યાંના કામમાંથી પસાર થઈને આ દિશામાં ક્રિયાશીલ બનશે તો કંડારાયેલી કેડી રાજમાર્ગ બનશે અને ભવિષ્યની પેઢીને તળપદી પેઢીના દસ્તાવેજી આધાર સાંપડશે.


0 comments


Leave comment