40 - ભાગ્ય રહેવા ન દીધું હાથમાં રેખા આપી / આદિલ મન્સૂરી


ભાગ્ય રહેવા ન દીધું હાથમાં રેખા આપી,
લૈ લીધી મંઝિલો એણે મને રસ્તા આપી.

આંખ આપી ને મને આંખમાં શંકા આપી,
ધન્ય છે તારી નજર; અન્ધને શ્રદ્ધા આપી.

મારું દુર્ભાગ્ય હશે કે રહ્યો પાષાણોમાં,
તારો એહસાન ખુદા કે મને વાચા આપી.

સાંજ ઢળતાં જ તિમિરમાં બધું ખોવાઈ ગયું,
કોણ સંતાઈ ગયું વિશ્વને છાયા આપી?

જેની નજરોમાં જીવન ક્ષણથી વધુ કાંઈ નથી,
આપી આપીને તેં એની જ પ્રતીક્ષા આપી.


0 comments


Leave comment