36 - આંખો ઉપર ફળી વળ્યો નિદ્રાનો અન્ધકાર / આદિલ મન્સૂરી


આંખો ઉપર ફળી વળ્યો નિદ્રાનો અન્ધકાર,
જોઈ શકું છું હું હવે સ્વપ્નાનો અન્ધકાર.

તારા અવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું?
ઘૂમે છે ખંડિયેરમાં પડઘાનો અન્ધકાર.

ભીંતો ઉપર સફેદી કર્યેથી ન કંઈ વળ્યું,
ભરખી ગયો મકાનને પાયાનો અન્ધકાર.

પેટાળમાં છે સેંકડો મોતીનું તેજ પણ,
કાયમ છે આજદિન સુધી દરિયાનો અન્ધકાર.

ખુલ્લાં છે દ્વાર તોય કશું સૂઝતું નથી,
આવી ગયો છે ઘર મહીં રસ્તાનો અન્ધકાર.

ઈશ્વરનાં તેજરૂપે એ દેખાશે છેવટે,
હદથી અગર વધી જશે શ્રદ્ધાનો અન્ધકાર.

સૂરજનો ચ્હેરો જોઇને એ નીકળી પડ્યો,
‘આદિલ’ શરીરમાં હતો છાયાનો અન્ધકાર.


0 comments


Leave comment