40 - કોક વેળા આવતાં આંસુથી ટોકાયા છીએ / ચિનુ મોદી


કોક વેળા આવતાં આંસુથી ટોકાયા છીએ
મોતી સમજી બેસતાં લોકોથી વીંધાયા છીએ.

લાગણી છે એટલે લાચાર જેવા લાગીએ
વસ્ત્ર પ્હેરાવી શકો છો, આમ પડછાયા છીએ.

કાચની બારીની પેલે પર છે વરસાદ, પણ
કૈંક ભીતરના લીધે થોડુંક ભીંજાયા છીએ.

વય વગરની અપ્સરાઓ સ્વપ્નમાં જોયાં પછી
આ તો ઇચ્છા જેવી છે, જાણીને ગભરાયા છીએ.

ગઢ વગરના ગામ પર લશ્કર ચઢી આવ્યું ‘ચિનુ’
દરવખતની જેમ સંબંધોમાં સપડાયા છીએ.


0 comments


Leave comment