48 - જવાબદારી લઈ / અશોક ચાવડા 'બેદિલ'
જવું તો ક્યાં જવું એવું જરા વિચારી લઈ;
થઉં છું દૂર તારાથી ગુનેહગારી લઈ.
બધાંય દુઃખ દરદ રોજ આવકારી લઈ,
મને જીવે છે હજી કોઈ આંખ ખારી લઈ.
ઘણા સમયની મુલાકાતનો તફાવત આ,
મને મળે છે હવે તું જવાબદારી લઈ.
લઈ જવાય ભલેને તમામ ઘરવખરી,
નીકળવું કેમ ઘરની બ્હાર યાદ તારી લઈ?
મર્યા પછીય રહ્યો એક વસવસો 'બેદિલ',
દટાયો માંડવે હું વેદના કુંવારી લઈ.
0 comments
Leave comment