4 - વહાલની વાવણી / વહાલ વાવી જોઈએ / ડૉ.રશીદ મીર


એનામાં હવે વિશ્વ સમેટાઈ રહ્યું છે
‘ગૌરાંગ’ને પણ એક ગઝલકાર કરી દે.

ઈશ્વર પાસે શબ્દસાધક બનવાની આવી નોખી દીક્ષા માંગનાર ગૌરાંગ ઠાકરને ઈશ્વરે ‘તથાસ્તુ’ કહી દીધું છે એની પ્રતીતિ આપણને એના ‘વહાલ વાવી જોઈએ’ ગઝલ સંગ્રહનાં પાને પાને થાય છે. સાંપ્રત ગુજરાતી ગઝલની ગતિવિધિ અને એના વિકાસના ગજાને અવલોકવા આપણે ગૌરાંગ જેવા નવી પેઢીના ગઝલકાર પાસે થોભવું જોઈએ. એની પાસે ગઝલના વારસા અને સ્વરૂપની ઊંડી સૂઝ છે. સંવેદનાની સચ્ચાઈ અને ભાષાની સજ્જતા છે. આવી પર્યાપ્ત પૃષ્ઠભૂમિ પર ઊભા રહીને એ જ્યારે ગઝલ કહે છે ત્યારે ગઝલ નીવડી આવે છે. એમાં અનુભૂતિની સચ્ચાઈ, શોકને શ્લોકત્વ સુધી લઈ જાય છે. કેવળ શબ્દોની ગોઠવણીથી ગઝલ બનતી નથી. ગઝલમાં કશું ઉછીનું ઓઢેલું કારગત નીવડતું નથી. એટલે જ કવિ કહે છે :
શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી,
ક્રૌંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં.

અહીં આપણે આ શેરમાં કવિએ કરેલો સમસંવેદનનો મહિમા જોઈ શકીએ છીએ. ગઝલમાં કૃતક અભિનિવેશ ચાલે નહીં.

પ્રસ્તુત સંગ્રહની ગઝલોનું આંતર-બાહ્ય સ્વરૂપની સુઘટ્ટ વણાટ એની સંઘેડાઉતાર સફાઈને કારણે સુશ્લિષ્ટ બન્યું છે. કવિનો ગઝલ કહેવાનો લહેજો ઘૂંટાયેલો છે. એને શેર કહેવાની ફાવટ છે. આપણે ઉદાહરણરૂપ શેર જોઈએ.

એવું બને કે હું પછી ઊંચે ઊડયા કરું,
પાંખોમાં મારી એટલાં પીછાં ભરો નહીં.

ત્યાં હવાની હેસિયત બિલકુલ નથી,
જો ગઈ જળમાં તો પરપોટો થયો.

મારી આ દીવાલોથી મને પાર કરી દે,
બારીથી મને એક વખત દ્વાર કરી દે.

વિસ્તર્યો તોય હોવાની પીડા રહી,
જેમ વર્તુળની વચ્ચે અણી રહી.

ફાંસ ફૂલોની અમને વાગી છે,
શ્વાસ એથી સુવાસ લાગે છે.

માત્ર સરનામું એમણે દીધું.
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.

ઝાંઝવે જાતાં હરણને રોક મા !
એ જ એનું પાણિયારું હોય છે.

કેવળ કળીનું ખીલવું શોભા અધૂરી છે,
ઝાકળ ઉમેરી ફૂલનો શણગાર થાય છે.

કેવી રીતે મકાન ઘર થાશે ?
દીકરીને હું એ ભણાવું છું.

છાપાને બદલે આજ મેં વાંચી હતી સવાર,
તેથી જ મારી આંખે અજબ તાજગી હતી.

પર્વતની છાતી જોઈને ઝરણાને મેં કહ્યું :
તારા ગયાના સળ તને ક્યાંથી ખબર પડે ?

રોજ શોધું છું અહીં અઘવાટમાં,
મૌન ખોવાઈ ગયું ઘોંઘાટમાં.

આ બધાં ઉપર્યુક્ત શેરોમાં શેરિયતને સાર્થક કરતી બે મિસરા વચ્ચેની વ્યંજનાપૂત ચમત્કૃતિ જોઈ શકાય છે. ગઝલની કથનરીતિના વિવિધ વળોટો અનુભવી શકાય છે. નૂતન વિચાર, અલંકારોની તાજગી, પ્રતીક-કલ્પનોની અભિનવતા, રદીફ – કાફિયાની ભાવોચિત ગૂંથણી અને કવિની ભાષાકર્મની માવજતને કારણે એમની પોતીકી મુદ્રા અહીં પરિલક્ષિત થાય છે. આ સૌ ગઝલોમાં ગુજરાતી માટીવટામાં ગંધ પોતીકાપણાનો અહેસાસ કરાવે છે.

છંદ ગઝલ માટે અનિવાર્ય છે જ. કેવળ જડબેસલાક છંદના ચોકઠામાં ગઝલને પૂરી દેવાથી એ ગઝલ બનતી નથી. પણ લય એ ગઝલનું પ્રાણતત્વ છે. કોઈ ભાષાનું ચિંતન એના પોતાના લયમાં ઢળે તો જ કોઈપણ કાવ્ય સ્વરૂપ સ્પર્શક્ષમ નીવડતું હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે ગૌરાંગ ઠાકરની ગઝલો લયલુબ્ધ છે. એટલું જ નહીં, કવિને ગઝલના છંદોની સમાજ છે. આપણે એક-બે દૃષ્ટાંતો જોઈએ....

મુતકારિબ મુસમ્મન :
અહીં માપપટ્ટી બધાની અલગ છે,
અને આપણે રોજ સાબિત થવાનું.

હઝજ મુસમ્મન સાલિમ :
નવા ફૂલો છે, ભરબપ્પોરમાં ઝાકળને ઈચ્છે છે,
તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે ઈશ્વર.

મુત્કારિબ મુસમ્મન મકબૂઝ અસલમ છંદને બેવડાવીને કરેલો બહરે જામીનો પ્રયોગ :
ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજી તો ડાળી ઝૂલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડા હું પાન રાખું.

વિશેષમાં, આ સંગ્રહની ગઝલોની ભાવસૃષ્ટિને અવલોકતાં આપણને એમાં સમસામયિક ચેતનાનાં ઠેર ઠેર દર્શન થાય છે. કવિ બીબાંઢાળ વિષયોથી ઉપરવટ જઈ માનવજીવનની નિસબતને ગઝલમાં ઢાળે છે. એટલે જ માનવ સંબંધોના હ્રાસ વચ્ચે ‘મા’ ને ખાસ સંભારે છે :
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

તો સમાજમાં પ્રવર્તમાન આર્થિક અસમાનતા પર એ વેધક કટાક્ષ કરે છે :
વાંસળીને કાજ ક્યાંથી લાવશું ?
ફૂંક તો ચૂલા ઉપર વપરાઈ ગઈ !

વળી વૈશ્વિકરણના આ યુગમાં અનેક સ્તરે ચાલતા વિઘટન પ્રતિ પણ એ પ્રશ્ન કરે છે :
બસ તમે નક્કી કરી લો, ઝૂલવું કે ઝૂરવું ?
એક પણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.

આમ, અનેક ઘા ગઝલત્વને પ્રગટાવનાર કવિ ગઝલ સ્વરૂપની શક્યતાઓને ઠીક ઠીક તાગે છે. અત્યારે ગુજરાતી ગઝલમાં ચારેબાજુ ઘોંઘાટ સંભળાય છે. ત્યારે, ગંભીરતાથી આ રીતે ગઝલ કહેનાર ગૌરાંગ ઠાકરના આ ગઝલ સંગ્રહને હું આવકારું છું અને મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.

ડૉ.રશીદ મીર
૨૦ મિ ઓગસ્ટ, ૨૦૦૯
વડોદરા


0 comments


Leave comment