1 - રંગ રંગ વાદળિયાં – આનંદ સૃષ્ટિ / સુધા સુન્દરમ્


પોંડિચેરીમાં કામ ચાલતું હતું. પપ્પાજીએ શું લખ્યું છે, ક્યાં – કેવી રીતે મૂક્યું છે, ગોઠવ્યું છે એ બધાંની નોંધ અમે પાકે પાયે કરતાં હતાં. ઘણા કાવ્યસંગ્રહો પ્રકાશનની વિવિધ પૂર્વાવસ્થામાં હાથ આવ્યા. એમાંનો એક સફેદ – હવે તો સફેદ પણ ન લાગે એવી – દોરીથી બાંધેલો હતો અને કવિએ એની ઉપર લખ્યું હતું “બાળકાવ્યો”.

આજે, એ પીળાશ પકડેલી સફેદ દોરી ખૂલી ગઈ છે અને એમાંનાં બાળકાવ્યો પુસ્તિકાઓ રૂપે તૈયાર થઈને સાહિત્યજગતમાં પ્રવેશી રહ્યાં છે અને એ માટે હું આભાર માનું છું કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠનો.

દરેક કાવ્યસંગ્રહમાં કવિના ઝીણાં અક્ષરોને અર્થસહિત ઉકેલીને ગોઠવવાના ગંભીર અને મુશ્કેલ કામમાં ચંદ્રકાન્ત શેઠની મદદ અમૂલ્ય રહી છે. એક દિવસ તેઓ બોલ્યા, ‘સુધાબહેન, સુન્દરમનાં બાળકાવ્યો હોય તો તેમને વહેલામાં વહેલાં છપાવાં જોઈએ.’ અને મેં કબાટમાંથી કાઢીને એમની સામે દોરીથી બાંધેલો કાવ્યસંગ્રહ મૂક્યો. મારી સાથે થોડી વાતચીત કરી એમણે એમના સાથી-મિત્ર કવિ મનહર મોદીને ફોન કરી તરત બોલાવી લીધા. એ ફોનનું રૂડું પરિણામ આજે તમારા હાથમાં છે.

‘રંગ રંગ વાદળિયાં’ સૌપ્રથમ ૧૯૩૯માં છપાઈ, ફરી ૧૯૫૬માં. તે પછી પણ લોકોની સતત માગણી હોવા છતાં એનાં પુનર્મુદ્રણનું ગોઠવાતું નહોતું. મનહરભાઈએ એ પુનર્મુદ્રણની જવાબદારી ઉપાડી લીધી અને એની સાથે નવાં મળેલાં કાવ્યોને ગોઠવી એક સ-રસ સુંદર સંપુટની યોજના ઉત્સાહપૂર્વક ઘડી કાઢી – ત્યાં ને ત્યાં જ. આ માટે એમનો આભાર માનવો જ રહ્યો.

ડૉ. શ્રદ્ધાબહેન ત્રિવેદી, બાળસાહિત્યનાં જાણીતાં અભ્યાસી. તેઓ કાવ્યસંગ્રહોના પ્રકાશનકાર્યમાં તો મારી મદદમાં હતાં જ. એમણે કહ્યું, ‘સુધાબહેન, સુન્દરમનાં જે બધાં બાળકાવ્યો મોટા કાવ્યસંગ્રહોમાં અહીંતહીં છપાયાં છે એમને ત્યાંથી બહાર કાઢીને બાળસાહિત્યમાં નહિ ગોઠવીએ તો તે ભુલાઈ જવાનો ભય ખરો. કારણ જે કોઈ બાળસાહિત્યમાં સુન્દરમને શોધતું આવશે એ મોટા કાવ્યસંગ્રહો સુધી ભાગ્યે જ જવાનું.’ અને આનંદની વાત કે એ સંગ્રહોમાંથી બાળકાવ્યો પસંદ કરી આપવાની જવાબદારી એમણે સસ્મિત પ્રેમથી ‘ચોક્કસ, આ તો હું કરીશ જ’ કહીને સ્વીકારી છે.

‘રંગ રંગ વાદળિયાં’ જયારે ૧૯૫૬માં પ્રગટ થઈ ત્યારે એક બાળક એ પુસ્તિકા એટલા આનંદથી ઉત્સાહથી રાત-દિવસ વાંચ્યા કરતું હતું કે જોતજોતાંમાં એ પુસ્તિકાનાં બધાં કાવ્યો એને કંઠસ્થ-હૃદયસ્થ થઈ ગયાં હતાં !

હવે, ‘રંગ રંગ વાદળિયાં’ એકદમ નવા સ્વરૂપે, સાથમાં ઘણાં નવાં ગીતો, કાવ્યો લઈને એકવીસમી સદીનાં કૉમ્પ્યુટર-યુગનાં બાળકોની દુનિયામાં આવે છે. આપણે ઈચ્છીએ કે આ શરૂ થતી સદીનાં બાળકો નવા સંપુટનો આનંદ એટલો જ ભરપૂર માણે...

કવિની કાવ્યસૃષ્ટિમાં જે આકાશ અને ચંદ્ર ને તારલા ને વરસાદ ને ઝરણું ને જંગલ ને પારેવું ને ખિસકોલી ને ગલગોટા ને પતંગિયા ને બેન અને ભાઈ, અને ભોંયરું ને દીવો ને મંત્ર, અને કૃષ્ણ, અનેમાતાજી ગોઠવ્યાં છે એ સઘળાંમાં બાળકો ખોવાઈ જાય અને આનંદભર્યા જગતમાં ભમતાં રહે તો કૉમ્પુટરની અસરની સાથે એક કલ્પનાની – છંદની – લયની અવનવી સૃષ્ટિ એમનાં અંતરમાં રચાશે અને બાળકો એક સ્થિર માનસિક-ચૈતસિક સમતુલા ધારણ કરતાં મોટાં થશે એવું કહેવાનું મન થાય છે. બાળકોથી મોટેરાં પણ આ પુસ્તિકાઓનો આનંદ લેવાનાં જ છે એ કહેવાની કોઈ જરૂર ?

- સુધા સુન્દરમ્
૨૪ એપ્રિલ, ૨૦૦૨
‘માતૃભવન’
અમદાવાદ


0 comments


Leave comment