3 - ‘રંગ રંગ વાદળિયાં’ / નિવેદન / ત્રિભુવનદાસ પુ. લુહાર 'સુન્દરમ્'


બાળકોને નજરમાં રાખી લખાયેલાં મારા કાવ્યોમાંથી કેટલાંકને અહીં ભેગા કરી રજૂ કરું છું. એમને ‘બાળકાવ્યો’નું નામ આપવાની હિંમત હું કરતો નથી. આ કાવ્યો ‘બાળકાવ્યો’ છે કે નહિ એ બાળકો જ કહેશે.

બાળકાવ્યનું સ્વરૂપ વિચારતાં ઘણાં પ્રશ્નો ઊઠે છે કોને કહેવું ? સંસ્કૃતમાં મોટા માણસોને સમજાવવા માટે પણ ‘બાલબોધિની’ ટીકાઓ લખાયેલી છે. બાળકાવ્ય જેવા સ્વતંત્ર વિભાગ હોઈ શકે કે નહિ ? હોય તો તે કાવ્યનું સ્વરૂપ કેવું હોય ? એમાં કેવી ભાષા હોય ? કેટલો અર્થભાર હોય ? કેટલા અલંકારો હોય ? આવા આવા પ્રશ્નો ઊભા થાય છે. એ કામ વિવેચન માટે રહેવા દઈ વિવેચકો જેને કદાચ ન સ્વીકારે તેવી કલ્પના રજૂ કરવા મન થાય છે. જે પોતાને બાળક કહેરાવવા તૈયાર હોય તે બાળક અને તેને જે રસ આપી શકે તે બાળકાવ્ય. પણ આવા ભેદાભેદમાં ન પડીએ તોપણ ખોટું નથી.

અહીં માત્ર આ કાવ્યોને ગાવા અને કંઈ સૂચના કરી લઉં. ઘણાને પ્રશ્ન થશે કે ક્યા રાગમાં કાવ્યો ગવાતાં હશે ? જવાબ એ છે કે તમારું ગળું જે રાગ કાઢી શકે તે ! જો તમારા પોતાનાં ગળાથી લહેકાથી, ઢાળથી કે રાગથી તમને સંતોષ ન હોય તો તમારે એથી વધારે સારું ગળું, લહેકો, ઢાળ કે રાગ મેળવવા પ્રયત્ન કરવો. અને આવી પ્રયત્નની પરંપરા ચાલું જ રાખવી પડશે. કારણ સંગીતની અંદર નવા આવિષ્કારોની એટલી શક્યતાઓ છે કે કોઈ પણ રાગ છેવટનો નથી બનવાનો. ગાનારે માત્ર બે વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે : ગીતનો તાલ ન તોડવો, તથા તેની ઝડપમાં યોગ્ય વધારો કે ઘટાડો કરી ન નાખવો. ગીતનો પાઠ કરનાર પણ આ વસ્તુઓ લક્ષમાં રાખે તે જરૂરનું છું.

આ ગીતો કેટલાંકને ગમ્યાં છે. આશા છે કે બીજાં કેટલાંકને પણ ગમશે
- ત્રિભુવનદાસ પુ. લુહાર
વૈશાખ-૧૯૯૫
અમદાવાદ


0 comments


Leave comment