64 - ક્યાંક પડછાયો પડે છે, ક્યાંક ઊભો દેહ દ્રઢ / ચિનુ મોદી


ક્યાંક પડછાયો પડે છે, ક્યાંક ઊભો દેહ દ્રઢ
હું મને હંમેશ કહેતો: આવ સામે, ચાલ લઢ.

અંધકારે બંધ મુઠ્ઠીમાં ચણોઠી રાખીને
ઓ પ્રવાસીજીવ મારા, ચાલવાની છોડ રઢ.

એક લીલાઝાડ પર તૂટી પડેલી વીજળી !
હું હજી જીવી રહ્યો છું, જા, ફરી આકાશ ચઢ,

બાતમી મળતી નથી લેબાસ બદલાયા પછી
સાત જન્મોની કથાનો હું જ નાયક, નામ ‘ઢ’

પાણી, ખારાં પાણી છે, એનો ભરોશો ક્યાં કર્યો ?
એય આંખોનાં સગાં છે, તોડશે ‘ઇર્શાદગઢ’.


0 comments


Leave comment