15 - ચંડિકા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
સિંહલા સંતાડ્યા એણે સોડમાં રે,
હવે ચાલી છે વાઘલાની ખોળમાં,
રે ચંડી ચાલ્યાં છે હાવાં ચોગાનમાં.
પોપટ કબૂતરાંને પીંખી નાખ્યાં ને એણે
કાબરને કાતર વગાડી,
ઊંટની કતારને ઉઊંધી પાડી ને પછી
સસલાં મૂક્યાં સૌ ભગાડી રે. ચંડી...

ઘોડાનાં પૂછડાં બાંધી દીધાં અને
રીંછોના કાન કર્યા કાણા,
કિલ્લા ને કોટ એક આંગળીએ પાડયા,
રોવાડ્યા રાવ અને રાણા રે. ચંડી...

મોટા પરોઢનાં જાગ્યા છે ચંડિકા,
દાદી દાદાને જગાડ્યાં,
ટોપલો રમકડાં તોડી નાખ્યાં હવે,
પડદા છે નાટકના પાડયા રે. ચંડી...

સિંહલાને સોડ થકી દીધા સરકવા,
વાઘલાને બોડમાં જ સૂવા,
પેટમહીં લાગી છે ભૂખ હવે બહેનબાને
લાગ્યા છે માને પુકારવા રે ! ચંડી...0 comments


Leave comment