16 - નાનકડો ઘૂઘરો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
નાનકડો ઘૂઘરો
રંગીલો ઘૂઘરો
ગુંગું ગુંગું ગુંજંતો ઘૂઘરો.

નાની બજારથી નાના લઈ આવિયા,
નાનકડી બેનના નાનકડા હાથમાં,
નાનકડો ઘૂઘરો,
દીધો રે ભાઈ નાનકડો ઘૂઘરો,
ઝંઝં ઝંઝં બાજંતો ઘૂઘરો.

ઘૂઘરે તે બેઠાં કે પોપટ ને મોરલા,
નાનકડી બેન બેઠાં ઊંચેરા ઓટલા,
નાનકડો ઘૂઘરો
નાચે રે ભાઈ નાનકડો ઘૂઘરો,
રુંરું ઝુંઝું રમઝમતો ઘૂઘરો.

ઊડો પોપટજી ને ઊડો રે મોરલા,
નાનકડી બેનને નેણમહીં સોણલાં
ખાજો પીજો ને પાછાં
આવજો રે ભાઈ નાનકડો ઘૂઘરો,
ખિલખિલ ખિલખિલ ખેલંતો ઘૂઘરો.0 comments


Leave comment