17 - હું રે બનું, બેન - / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’




હું રે બનું, બેન, સૂરજનો ઘોડલો,
ચાંદાની હરણી તું થા રે બેન,
તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું, બેન, વાડીનો મોરલો,
આંબાની કોયલ તું થા રે બેન,
તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું, બેન, બાપનો ડગલો,
બાપની લાકડી તું થા રે બેન,
તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું, બેન, બાનો ઘડૂલો,
બાની ઈંઢોણી તું થા રે બેન,
તું મારી બેન ને હું તારો ભાઈ.

હું રે બનું, બેન, બાપુનો રેંટિયો,
બાપુની પીંજણ તું થા રે બેન,
તું મારી બેન ને હું તારો ભાઈ.



0 comments


Leave comment