18 - હું રે બનું ભાઈ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
હું રે બનું, ભાઈ, આકાશે વીજળી,
આકાશે મેહુલો તું થા રે ભાઈ,
તું મારો ભાઈ ને હું તારી બેન.

હું રે બનું, ભાઈ, દરિયે માછલડી,
દરિયાનો બેટડો તું થા રે ભાઈ,
તું મારો ભાઈ ને હું તારી બેન.

હું રે બનું, ભાઈ, લીલી લીમલડી,
લેલૂંબ વડલો તું થા રે ભાઈ,
તું મારો ભાઈ ને હું તારી બેન.

હું રે બનું, ભાઈ, દાદાની દાબડી,
દાદાનો હુક્કો તું થા રે ભાઈ,
તું મારો ભાઈ ને હું તારી બેન.

હું રે બનું, ભાઈ, બાની સાવરણી,
બાનો તું સૂંડલો થઈ જા રે ભાઈ,
તું મારો ભાઈ ને હું તારી બેન.

હું રે બનું, ભાઈ, ‘બાપુ’ની તકલી,
‘બાપુ’નો ફાળકો તું થા રે ભાઈ,
તું મારો ભાઈ ને હું તારી બેન.0 comments


Leave comment