19 - શાકવાળીનો ભેરુ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
હાથમાં મારી દાઢી મૂકી,
ઓટલે બેસી જોઉં છું રોજ,
ટોપલાવાળી જાય છે ચાલી,
ટહેલ નાખીને બોલતી રોજ.
ગુવાર વેચે દૂધી વેચે,
વેચે તાજી ભાજી પ્યાજ,
તરબૂચ ટેટી વેચતી જાયે,
ગલકાં ભીંડા સવાર સાંજ.
રાંધતી રાંધતી બા આવે ને,
છેડલો ખોસતી પૂછે ભાવ,
ટોપલો જાણે જાદૂઈ ઊઘડે,
રંગબેરંગી શાક જમાવ.
બા છે મારી એવી કની તે,
ટોપલો આખો ફેંદી જાય,
પાશેર લૈને ઘરમાં જાય ને,
પેલી ડોળા કાઢગતી જાય.
થાય મને ખૂબ શાક ન લીધું,
તેથી બાપડી રડશે ખૂબ,
લાવ હું એને વેચવા લાગુ,
શાક, મોટી મોટી પાડી બૂમ.
ટોપલાવાળી શાકવાળી ઓ,
આય રે અહીં, અહીં રે આય,
સાદ સુણી મુજ, ડોળા કાઢી,
ગાળ દઈ એ તો ચાલી જાય.
હું ભાઈ એને કહેવા માંગુ કે,
તારો થઈશ હું મદદનીશ,
શાક તારું સૌ દઉં વેચી બાઈ,
મારા પર ના આણવી રીસ.
બેસાડજે મને ટોપલે તારે ને
મૂંગા તારે ફરવું માત્ર,
એવો કની હું સાદ પાડીશ કે
શાક ખરીદશે માણસ માત્ર.
પણ જો હું ખાઉં કાકડી, ટેટી,
તારે તો ના વઢવું ભાઈ,
ઊપજે તારા દામ ના પૂરા તો
મારી પાસે એક ઉપાય.
સાંજના મારે ઘેર જઈશું,
ગોતતી હશે મુજને માત,
ટોપલે ઢાંક્યો રાખજે મને,
તારે ન કરવી કૈં બી વાત.
ને હું ટહુકીશ, શાક લો કોઈ,
નાનકડો બચુ વેચે શાક,
નવાઈ પામતી આવશે બા ને
કાઢીશ મોઢું બ્હાર જરાક.
ઓ રે લુચ્ચા ઊતરે હેઠો,
બોલશે ડોળા કાઢતી બા,
શાકવાળી ઓ, તનેય ભાંડશે,
પણ ના બીશ ન મારશે બા.
કહીશું, હુંછું વાડીનો મૂળો,
કિંમત મારી રૂપિયા તેર,
જોઈતો હોય તો ખરીદ લે માઈ,
નહિ તો આપણે ટોપલે લ્હેર !
માનું છ કે મને તેરમાં જરૂર
લઈ તો લેશે જ માહરી બા,
નહિ તો તારા ટોપલે બેસી
વેચવા લાગીશ શાક સદા.
હાથમાં મારી દાઢી મૂકી,
ઓટલે બેસી જોઈ છું રોજ
શાકવાળીના નાકમાં ચૂની
તગતગે છે કેવીક રોજ.
0 comments
Leave comment