23 - અમે રમતાં’તાં / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
અમે રમતાં’તાં છોકરા ને છોકરીએ,
અમે ખાતાં રાયણની કોકડીઓ. અમે...

અમે સૂંડલા લઈને જતાં ખેતરમાં,
અમે જોતાં બચુડિયાં તેતરનાં,
અમે ટોતાં વઈઓને વાવેતરમાં. અમે...

અમે વીણતાં કરાંઠાંને કોઠીમડાં,
અમે ખાતાં’તાં ધૂળ મહીં ગોઠીમડાં,
અમે ચોરંતાં વાઘરીનાં ચીભલડાં. અમે...

અમે ઝૂડતાં કંથારો ને બોરડીઓ,
અમે વણતાં’તાં ભીંડીની દોરડીઓ,
અમે ચીડવતાં ભાભોજી બોબડિયો, અમે...

અમે કોયલને કેવી પજવતાં’તાં,
અમે શંકરનાં દહેરાં ગજવતાં’તાં,
અમે વીણા ને વેલી ભજવતાં’તાં. અમે...

અમે આંબલીઓ ચડતાં ને ઊતરતાં,
અમે નાગાં તળાવમાં થઈ તરતાં,
અમે મોઢા પર મૂછોને ચીતરતાં. અમે...

અમે રડતા રઝળતાં ને રડાવતાં,
અમે લડતાં ઝઘડતાં ને બડબડતાં,
અમે ખાતાં પીતાં ને પછી ઊંઘી જતાં. અમે...0 comments


Leave comment