25 - વાદળની વાડીએ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
વાદળની વાડીએ, વાયરાની ગાડીએ,
ચાલો ઊપડીએ બિરાદર હો,
આકાશી ખૂંદીએ પાધર હો.

આ કોણ કોણ જાશે અને કોણ રહી જાશે ?
અને કોણ વાજાં વાશે બિરાદર હો ! આકાશી...

આ ગાંડાં ગાંડાં જાશે અને ડાહ્યા રહી જાશે ?
પેલા ઘેલા વાજાં વાશે બિરાદર હો ! આકાશી...

વાડીમાં શું ખાશું અને કેટલું કેટલું ન્હાશું ?
ગાશું રે ગીત શું બિરાદર હો ! આકાશી...

રાયણ જાંબુ ખાશું અને નવ્વાણું વાર ન્હાશું,
ગાશું કૈ દોહા બિરાદર હો ! આકાશી...

ચાલો ત્યારે ચાલો, આ એકબીજાને ઝાલો,
અને સાથે લેજો ઠાલો
પાણી પીવા પ્યાલો, બિરાદર હો ! આકાશી...0 comments


Leave comment