27 - કહેજો જી રામ રામ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
સૂરજ દાદાને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વહેલો ઊઠ્યો છું પરોઢમાં.

ફૂલડાં રાણીને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે રસ્તા વાળ્યા છે મેં એમના.

પીળા પતંગિયાને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે વીણવા જવા છે રંગ સાંજનાં.

ચાંદા મામાને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે હોડીને છોડવી પાતાળમાં.

નીંદર માસીને મારા કહેજો જી રામ રામ,
રામ રામ કહેજો ને આટલું વળી કહેજો,
કે આવે વ્હેલીક જરા આજ તો.


0 comments


Leave comment