28 - પતંગિયું / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
કેસરિયો ખીલ્યો છે ગોટો,
લીલમડે છોડે શું મધનો લોટો,
પતંગિયું પીળું પીળું રે.

પહોળા રૂપાળા છે ક્યારા,
ગગનમાં ફૂટે છે ઊંચા ફુવારા,
પતંગિયું ઝીણું ઝીણું રે.

ટહુકે કોયલડી કાળી,
ખિસકોલીઓ ખેલે ભલી સાતતાળી,
પતંગિયું છાનું છાનું રે.

કૂંડે ને ક્યારડે દીઠું,
ચમકતું ફૂલે ફૂલે અમે દીઠું,
પતંગિયું મીઠું મીઠું રે.0 comments


Leave comment