29 - પગ વગરનો છે પવન ને એટલે નિષ્પાપ છે / ચિનુ મોદી


પગ વગરનો છે પવન ને એટલે નિષ્પાપ છે,
કૈંક પૂર્વજનાં પગરખાંનાં બદલતાં માપ છે.

કાચનું છો ને રહ્યું, ઘર છે, ભરેલાં પાણી છે
માછલીનું મન મળ્યું છે, એ જ બસ, સંતાપ છે.

આપણાં સંબંધનો એકાદ પડછાયો લઈ
રોજ સમળી ઊડતી, આ કેવો ભમતો શાપ છે ?

કોઈએ મારા જ ધડ પર પાછું માથું ગોઠવ્યું
કૈ જ સમજાતું નથી કે શેનો પશ્ચાતાપ છે ?

નામ-સરનામાં હવે ‘ઇર્શાદ’નાં શા પૂછવાં ?
સાત સૂકાં પાંદડાં પર આંસુઓની છાપ છે.


0 comments


Leave comment