33 - માગણ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
સોનલાવરણી બેન ને એનો કાનજીવરણો ભાઈ,
માગણ આ ભગવાનનાં આવ્યાં લેવા લોકદુવાઈ,
લોકનાં મોંઘાં બેન ને ભાઈ.

ઘમક ઘેરા ઘૂઘરા વાગે,
બેનડી ગાયે દીપક રાગે,
ભાઈને ઢોલક ધરતી જાગે,
રે દિશા દશ કાન માંડી બેઠી,
મેલે કહાન મોરલીએ હેઠી.

મોરલા લાંબી ડોક ગહેકે,
ધરતી મીઠી ફોરમ બહેકે,
વાડીઓ લીલીછમ લહેકે,
રે ભાંડુડાં આવ્યાના કોડે,
નવો ભોમ અંચળો ઓઢે.

પાણિયારી પાણી સીંચતી પૂજે,
ગાવડી ગોરસ બમણાં દૂઝે,
ખેડૂત ખેતર ખેડતાં રીઝે,
રે ભલેરાં ભાઈબેની આવ્યાં,
દુવા ભગવાનની લાવ્યાં.0 comments


Leave comment