39 - રંગલીલા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
હે રી રંગલીલા,
રે રંગરંગોની શી રંગલીલા !
અહો રંગ્યા કોણે આ રંગીલા ?

ખેતરને ખોબલે,
આકાશી ટોડલે,
ધરતી માતાને અંબોલડે રે
રે રંગરંગોની શી રંગલીલા !
રે રંગલીલા !

પેલા વાદળાંએ હોંશથકી પહેર્યા જી રે,
પેલી નદીઓએ નીરમાં ઉતાર્યા જી રે,
પેલા દરિયાએ હૈયે ઝબોળ્યા,
રે રંગરંગોની શી રંગલીલા !
રે રંગલીલા !

પેલા પોપટડે ચાંચમાં પરોવ્યા જી રે,
પેલા મોરલાએ પીંછે પલકાવ્યા જી રે,
પેલી માછલીએ અંગ અંગ છાપ્યા,
રે રંગરંગોની શી રંગલીલા !
રે રંગલીલા !

મારી બેનડીએ કેશ મહીં ગૂંથ્યા જી રે,
મારી માડીએ ચૂડલામાં ચોડ્યા જી રે,
મારા વીરે ગગનમાં ચગાવ્યા,
રે રંગરંગોની શી રંગલીલા !
રે રંગલીલા !0 comments


Leave comment