41 - પહેલવ્હેલી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે તારલાની ટોળી રે,
કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે ધરતીને ખોળે રે,
કોણે નદીઓને વ્હેતી મેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
કોઈ કહેશો કે સાતે સાગરને રે,
કોણે આવીને પાળ આ બાંધેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે કોકિલને કંઠે રે,
કોણે સંતાઈ સૂરરેલ રેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
હાં રે પ્હેલવ્હેલી રે,
નાનાં બાળકાંને માત સામું જોઈ રે,
કોણે હસવાની વાત શીખવેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
કોઈ કહેશો શહીદ તણે હૈયે રે,
કોણે કુરબાનીને કોતરેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
0 comments
Leave comment