42 - ગોળુડો ઘાટ / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
હાં રે મને વ્હાલો છે
ઊગતા એ સૂરજનો સોનેરી ગોળુડો ઘાટ,
હાં રે બીજો પ્યારો છે
પૂનમના ચંદ્રમાનો રૂપેરી ગોળુડો ઘાટ.

હાં રે મને વ્હાલો
મહાદેવજીના મંદિરના ઘુંમટનો ગોળુડો ઘાટ,
હાં રે બીજો પ્યારો
આકાશ તણા ઘુંમટનો વાદળી ગોળુડો ઘાટ.

હાં રે મને વ્હાલો
પણિયારી તણી રાતુડી ગાગરનો ગોળુડો ઘાટ,
હાં રે બીજો પ્યારો
ભરવાડ કેરી કાંસાની તાંસળીનો ગોળુડો ઘાટ.

હાં રે મને વ્હાલો
ડોશીમાના ફરતા એ રેંટિયાનો ગોળુડો ઘાટ,
હાં રે બીજો પ્યારો
ભતવારી તણા લીલુડા સૂંડલાનો ગોળુડો ઘાટ.

હાં રે મને વ્હાલો
આ વ્હાલો બ્રહ્માંડતણાં છોરાંનો ગોળુડો ઘાટ,
હાં રે એક વ્હાલો ના
કાળમુખી તોપ તણા મોઢાનો ગોળુડો ઘાટ.0 comments


Leave comment