4 - બંગલો / જયેશ ભોગાયતા
એ વાસેલા દાદરનો નાનો દરવાજો એક હાથ ઊંચો કરીને પગથિયાં ચડતા હતા. હું દાદરના ઉપરના છેડે ઊભો હતો. એમણે આખા શરીરે ગરમ શાલ વીંટાળેલી. શરીરે જરા પાતળા થયા હતા. પણ આંખો તેજસ્વી હતી. દાઢી થોડી વધી ગઈ હતી. વાળ થોડા મેલા ને બરછટ દેખાતા હતા. દાદર ચડી રહેતાં એમણે પોતાના ઓરડા તરફ જોયું. એ ઓરડા તરફ ચાલવા લાગ્યા. અમે બધાં એમની પાછળ પાછળ ગયાં. પલંગ પર બેસતાં, એમણે શાલ દૂર કરી. સફેદ ખમીસની નીચે એમનું ઊપસેલું પેટ દેખાયું. એમણે શાલ ફરી ઓઢી લીધી. મારાં ત્રણ ભાઈઓ, બે બહેનો, મા, એક-બે પડોશી, કાકાની દીકરી કુસુમ – બધાં એમને વીંટળાઈને ઊભાં હતાં. ખોંખારો ખાઈ ગળું સાફ કરતાં બોલ્યા, ‘મારે થોડો આરામ કરવો છે, ઊંઘી જવું છે. પણ તમે બધાં અહીં જ બેસજો. થોડીવાર પછી વાતો કરીશું.’
લિવરનું ઑપરેશન કરાવીને મારા બાપુ આજે પાછા આવ્યા હતા. મા ખૂબ જ ચિંતામાં દેખાતી હતી. એ મને રસોડામાં લઈ ગઈ. મારા માથે હાથ મૂકી બોલી, ‘તું તારા બાપુને શું લાવ્યા છો એવું કાંઈ પૂછતો નહિ, તેં મંગાવેલી ચીજ નહીં લાવ્યા હોય તો હું તને અહીંથી લઈ દઈશ, સમજ્યો ને દીકરા !’
છેલ્લા છ-એક મહિનાથી બાપુ બીમાર હતા. દાક્તરે નિદાન કરેલું કે પેટમાં પાણી ભરાયું છે, ને લિવર પર નાની ગાંઠ થઈ છે. પેટમાંથી પાણી કઢાવવા માટે શહેરની કોઈ ઈસ્પિતાલમાં જવું પડશે. બાપુએ ઑપરેશન કરાવવા માટે ખૂબ આનાકાની કરી. મને પાસે બેસાડીને બધાને પૂછેલું, ‘તમારે બધાએ આનંદથી દિવાળી ઉજવવી નથી ? આ જુઓને સુરેશને, તેને કેટલી બધી હોંશ છે મીઠાઈઓ ખાવાની ! મારા જવાથી બધાના આનંદમાં ભંગ પડશે. પણ અમે એમની વાત માની જ નહિ. કચવાતા મને ગયા. બાપુ, મોટાભાઈ અને બાપુનો મિત્ર જીવણ ગયા. બે-ત્રણ દિવસ પછી મોટાભાઈનો સંદેશો આવેલો કે ઑપરેશન થઈ ગયું છે. થોડા દિવસમાં પાછા ફરશે.
બાપુ આવી ગયા એટલે હવે તો કેસરપેંડા ખાવા મળશે એ વાતે મારું મન હરખાતું હતું. થોડીવારમાં એ જાગી ગયા. બાપુએ માને પણ ‘આજે કઈ તિથિ છે?’ ‘આજે બારસ છે.’ મા જરા ચિંતાના સૂરમાં બોલી. દિવાળીને હજુ ત્રણ દિવસની વાર હતી. એમણે કાકાની દીકરી કુસુમને પાસે બોલાવી. ગાલે ટપલી મારતાં કહ્યું કે હલવો ખાવો છે ને ? દિવાળી આપણે બધા સાથે ઉજવીશું. કુસુમ મોટા અવાજે હસી પડી. બાપુ ફરી ઊંઘી ગયા.
નાનો હતો ત્યારથી મને જાસૂસી કથાઓ વાંચવાનો શોખ હતો. જાસૂસી કથાઓ વાંચી વાંચીને નવી નવી કથાઓ બનાવતો. હું ઓશરીના હિંડોળા પર પગ લંબાવીને એક જાસૂસી કથા વાંચતો હતો. મા નજીક આવીને મારા કાનમાં બોલી, ‘જો તારા બાપુ ઊંઘે છે. જાગીને બૂમ પાડે તો મને બોલાવજે. થોડીવારમાં ઘર શાંત પડી ગયું. હું વાંચતો હતો તે કથામાં પણ જમાવટ થતી જતી હતી. પણ અચાનક બાપુના ઓરડામાંથી મોટેથી કોઈ દરવાજો ખૂલવાનો અવાજ મારે કાને અથડાયો. મેં ઊઠીને હળવેકથી તેમનું બારણું ખોલ્યું ને જોયું તો એઓ અમારી મોટી લોખંડની તિજોરી પાસે ઊભેલા. તિજોરીમાંથી બહાર કાઢેલા કેટલાક કાગળો એમના હાથમાં દેખાયા. હું અંદર ગયો. મને જોતાં જ એમણે કાગળો સંતાડી દીધા. પણ પછી વિચાર બદલાયો હશે કે ગમે તેમ એમણે મને માને બોલાવી લાવવા કહ્યું. માએ તો આવતામાં જ પલંગ પર પડેલા કાગળો જોયા. બધા કાગળો ભેગા કરીને બાપુને જ
ધમકાવ્યા, ‘અત્યારે આ બધું કેમ કાઢીને બેઠા છો ? દસ્તાવેજોનું તમારે શું કામ છે ?’ બાપુએ દસ્તાવેજ હાથમાં લઈ માને બતાવતાં કહ્યું, ‘ગીરવે મૂકેલો બંગલો આપણો ક્યારે થશે ? આ દિવાળી તો આવી ગઈ. બંગલો છોડાવવા માટે એટલી મોટી રકમ ક્યાંથી લાવીશ ? ‘બંગલો’ શબ્દ મારે કાને પડતાં અમારી શેરીના નાકે ઊભેલો અવાવરુ બંગલો નજર સામે સૂનમૂન બનીને ઊભેલો દેખાયો. અમારો બંગલો બચી ડોશી નામની એક વ્યાજખાઉ ડોશી પાસે ગીરવે મૂકેલો હતો.
મારા જન્મના થોડા મહિના અગાઉ મારા દાદાએ બંગલો ખરીદેલો. બંગલાના આગળના ભાગમાં લાકડાનો તોતિંગ દરવાજો, એ પછી ઉપર જવાનો દાદર શરૂ થતો. પહોળા લાંબા સીસમના રંગના દાદર પર ચડીએ તો પડઘા પડે ઓરડાઓમાં. બે મજલાના બંગલામાં સોળેક ઓરડા હતા. મુખ્ય વિશાળ ઓરડામાં રંગબેરંગી કાચની બારીઓ હતી. બારીઓમાંથી આવતા તડકાનાં ચાંદરણાં પડતાં. તે પર અમે બધાં રમતાં, ક્યારેક મને ઊંડા અંધારાનો ડર લાગતો. થોડીવાર માટે મારો બધો આનંદ કોઈ છીનવી લે છે, એવું લાગ્યા કરતું. બંગલામાં રાત્રે પૅટ્રોમેક્સની બત્તીઓ થતી. રસોડામાં મૂકેલા કાચના મોટા દીવાઓમાંથી પ્રકાશ ફેલાતો.
લોખંડની સાંકળથી બાંધેલી કાચની હાંડી પર પડતા પૅટ્રોમેક્સના અજવાળામાં બધા વાતો કરતાં. તાંબાના લોટામાં ભરેલાં પાણી ઝગારા મારે ! જર્મન-સિલ્વરની થાળીમાં મા અને કાકી બધાને ભોજન પીરસે. કાંસાની મોટી થાયડીમાં દૂધ પીરસે. દાદા તેમાં રોટલો ચોળીને જમતા ત્યારે તેમની લાલ હથેળી પર ઘી અને દૂધના કણ ચોટી જતા. બધું અવસર જેવું લાગતું. દરેક ઓરડાને અડીને પૂજાની ઓરડીઓ હતી. મારા નાના કાકા કલાકો લગી પૂજાની ઓરડીમાં માતાજીની મૂર્તિની પૂજા કર્યા કરે.
એક દિવસ રાત્રે કાકા, કાકી અને તેમનાં બાળકો અમારા ઓરડામાં આવ્યાં. બાપુ પલંગ પર બેઠા હતા. કાકાએ સુંદર રેશમી ઝભ્ભો ને બગલાની પાંખ જેવો ઊજળો સફેદ લેંઘો પહેરેલો. ઝભ્ભામાં સોનાનાં બટન ચળકતાં હતાં. થોડીવાર તો તે ઊભા જ રહ્યા બોલ્યા નહિ. પછી થોડી હિંમત કરીને બોલ્યા, ‘મોટાભાઈ, મારે અજમેરના ઉર્સમાં જવું છે, રજા આપશો ?’ મારા બાપુ તો તરત જ ગુસ્સે થઈ ગયા. થોડા ઊંચા અવાજે પૂછ્યું, ‘ઉર્સમાં આપણે શું કામ છે ?’ ‘ના, પણ મને બસ તમે રજા આપો.’ કાકાના આર્જવભર્યા અવાજથી બાપુ થોડીવાર પછી પીગળ્યા. ઓરડામાંથી બહાર નીકળતા પહેલાં કાકાએ અમારા તરફ એક મીઠી નજર ફેરવી. હું દોડીને તેમની પાસે ગયો. મને પાસે લઈને પૂછ્યું કે અજમેરથી શું લેતો આવું ? મેં રંગબેરંગી લખોટીઓ મંગાવેલી. બાપુ પણ ઊભા થઈને તેમની પાસે આવ્યા. નાના કાકાએ કહ્યું, ‘સવારે ચાર વાગે ગાડીમાં જવાનું છે, ભીખલો કવ્વાલ મને લેવા આવશે’ ભીખલા કવ્વાલનું નામ સાંભળતાં જ બાપુ ફરી ખિજાયા. પણ નાના કાકાએ સ્મિત કર્યું ને બાપુ ઠંડા પડ્યા. ભીખલો કવ્વાલ અમારા બંગલામાં કવ્વાલીના ઉસ્તાદોને લાવતો. કવ્વાલી જલસામાં મને તો ભીખલાના પાનના રસથી લાલ થઈ ગયેલા દાંત જોઈને ડર લાગતો. ગળાની નસો ફુલાવી ફુલાવીને તે ગાતો ને સાથીદારો તેમાં ઘાટા અવાજે સૂર પૂરતા. પણ નીચે જેવા બાપુના પગ દાદર પર પડતા સંભળાયા નથી કે ભીખલો બધું આટોપી-સંકેલીને સલામો મારતો કઠેડાને પકડતો ઊતર્યો નથી. મને ભીખલાના પગના પંજા દાદર પર કશીક ઊંડી છાપ પાડતા હોય તેવો ભાસ થતો. તેના ગયા પછી બંગલાની આબોહવામાં કોઈકના કણસવાનો અવાજ આવ્યા કરતો. મને થોડી ગૂંગળામણ થતી પણ કશું બોલી શકું નહિ. ભીખલાના રેશમી ઝભ્ભા પર પડેલા પાનની પિચકારીના એકાદ-બે ડાઘ મને આંખમાં ખૂંચતા. અમારે ત્યાં ‘ચેત મછંદર’ નામનું એક છાપું આવતું. તેમાં આવતી જાસૂસી કથાઓ દિવસે વાંચતો. જાસૂસી કથામાં કોઈનું ગળું દબાવી મારી નાખતા ખૂનીના પંજાની ભીંસ મારા ગળા પર પણ અનુભવતો. જાસૂસી કથાઓ વાંચ્યા પછી હું બંગલાની અગાશીમાં આવતો ત્યારે નીચે દેખાતા વાડાની બોરડીના ઝાડ મને બિહામણાં લાગતાં. હું તરત અંદર આવીને જાસૂસીકથાનાં પાનાં સંતાડી દેતો !
કાકાના ગયાને બીજે દિવસે અમારા નોકરે બાપુને એક ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચી બાપુએ મારી માને બોલાવી. બાપુએ ગરમ કોટ, શાલ અને મફલર માગ્યાં. મા તો ડઘાઈ જ ગઈ. પોષની ઠંડીમાં ક્યાં જવાનું હશે ? બાપુ ચૂપચાપ દાદર ઊતરી ગયા. મને બાપુની પાછળ પાછળ ભીખલો ઊતરતો દેખાયો. હું ડરીને દાદર પર થીજી ગયો. ઠંડીના સૂસવાટામાં બોરડીના કાંટા જાણે મને ઘસાતા હતા.
બે દિવસ પછી બંગલાની આગળ એક લાંબી કાળી મોટર આવીને ઊભી રહી. મોટરમાંથી બધા સફેદ ચાદરમાં વીંટેલું કોઈનું શરીર હળવેથી બહાર લાવતા હતા. ચાદરની બહાર થોડા પગ દેખાયા. પૂજાની ઓરડીમાં પલાંઠી વાળીને કાકા બેસતા ત્યારે દાબથી તેમના પગમાં લોહીના લાલ ટશિયા ફૂટી આવતા પણ અત્યારે તો ઠીંગરાઈને કડક ને સૂકા બની ગયા હતા. મોટા ઓરડાની વચ્ચોવચ એમના શબને સુવાડ્યું. કાકીનું રુદન ઓરડામાં પડઘાતું હતું. ભીખલાએ તો ઉપર આવવાની હિંમત જ ન કરી. કાકીએ કાકાનું મોં જોવા માટે હઠ પકડી. બે-ત્રણ સ્ત્રીઓએ એમને પકડી રાખ્યાં ને બાપુના ભાઈબંધે સફેદ ચાદર ખસેડી. કપાળ પર દાક્તરી વાઢકાપના ત્રણ લાંબા ચીરા હતા. ગળાનો હૈડિયો ફૂલીને બહાર આવી ગયો હતો. હોઠ ઉપર મરણ પામતી વખતના વિયોગની રેખાઓ ઊપસી આવી હતી. દાદા તો એમના ઓરડામાં જ બેસી રહ્યા.
એકાએક થોડા દિવસોમાં બંગલાના ઓરડાઓ સૂમસામ બની ગયા. બાપુને કાકાના મોતનું રહસ્ય જાણે અંદરથી ખોતરતું હતું. તે સાંજે ભીખલો આવ્યો. બાપુથી દૂર બેઠો. બાપુની લાલ આંખોનો રોષ એનાથી સહેવાતો નહોતો. એ અચાનક ફૂટી ફૂટીને રોવા લાગ્યો. એની લાંબાં જુલ્ફાં હવામાં ફંગોળાતાં હતાં. મને કંપારી છૂટેલી. બાપુ ઊઠીને ભીખલા પાસે ગયા ને એને જુલ્ફાં ખેંચીને ઊભો કર્યો, ને પછી લગભગ ઘા કરતા હોય તેમ બેસાડ્યો. ભીખલો સતત ધ્રુજતો હતો. થોડું પાણી પિવડાવ્યું. બાપુથી ડરતો બોલવા લાગ્યો : ‘અજમેર જવા ટ્રેન બદલવા માટે એક સ્ટેશન પર અમારે ચારેક કલાક ગુજારવાના હતા. રાતના દસ વાગી ગયા હતા. તમારા ભાઈને તો તમે જાણો છો તેમ ડાયરી લખવાની ટેવ હતી. તે બાંકડે બેસીને ડાયરી લખતા હતા. મારા આગ્રહથી અમે સ્ટેશન પાસેની હૉટલમાં ખાવા ગયેલા. મેં એમને નોનવેજ ખાવાનો આગ્રહ કર્યો હતો. નોન-વેજ ખાવાનો એમને બહુ મહાવરો નહિ તેથી ખાતાં થોડી તકલીફ પડેલી. મેં એમને ખાતાં શીખવાડ્યું. પણ એકાદ નાની હાડકી એમની શ્વાસનળીમાં ઊતરી ગઈ. એટલે એમને ગભરામણ થવા લાગી. હું ડરનો માર્યો આમતેમ આંટા મારવા લાગ્યો. અંતે, મેં એમને દવાખાને લઈ જવાનું નક્કી કર્યું’તું પણ તેઓ રસ્તામાં જ ઘોડાગાડીની પાછલી સીટ પર ઢળી પડ્યા’તા. ઝભ્ભાના ખિસ્સામાં મૂકેલી ડાયરી મારા પગ આગળ પડી. એ ડાયરી તમે લઈ લો. સ્ટેશન પર બેસીને એમણે જે પાનું લખેલું તે મેં દવાખાનામાં વાંચેલું. એ પાનું મને ખૂબ રહસ્યમય લાગેલું. તેનો ભેદ મારાથી ઉકેલાયો નથી. એમના મોતનો ભેદ પણ મને તો સમજાયો નથી.’ અમે બધાં ભીખલાના હાથમાં રહેલી ડાયરી જોઈને ડરતાં હતાં. મને તો ભીખલો જ એક મોટા પાનાં જેવો દેખાવા લાગેલો. એ પાનાંથી બંગલાની હાંડીના દીવાઓ જાણે ઓલવાઈ જતા લાગ્યા હતા.
મને એ ડાયરી વાંચવાની ઉતાવળ હતી. એક દિવસ બપોરે બાપુના કબાટમાં મૂકલી ડાયરી લઈને સીધો ગયો અગાશીમાં. દૂર વાડામાં દેખાતાં બોરડીનાં પાંદડાને જોતાં જોતાં મેં ડાયરીનાં પાનાં ખોલ્યાં. ડાયરીના પહેલા પાન પર એક નામ હતું ‘બંગલો’. એ પછીનાં પાનાં સાવ કોરાં. થોડાં પાનાં ઉથલાવતાં એક પાના પર અમારે ત્યાંના માતાજીની ઓરડીમાં છે તે દેવીની છબિ દોરેલી. ને પાછાં, વળી પાનાં કોરા ને છેલ્લા પાન પર ‘અજમેર જતાં સ્ટેશન પર’ એવું લખીને તેની નીચે બે લીટીઓ દોરેલી હતી. હું લખાણ વાંચવા લાગ્યો. ‘અણધાર્યું થવાનું છે એની મને જાણ છે. પણ મારો જીવ બંગલામાં ગૂંગળાતો હતો. મારે છૂટવું’તું બંગલાથી બપોરના શાંત વાતાવરણમાં મને દૂરથી સંભળાતી ટ્રેનની તીણી વ્હિસલ સતત ખેંચ્યા કરતી. ભાગી જવાના વિચારો આવતા. ખબર નહોતી પડતી. અંતે, ભીખલાએ મદદ કરી. અજમેરથી જો હું પાછો આવીશ તો પણ બંગલાના દાદર કદાચ હું નહિ ચડી શકું તેવું થયા કરે છે. મારા રેશમી ઝભ્ભાનાં સોનેરી બટનની અંદરથી એક અવાજ મને સતત સંભળાયા કર્યો છે. પણ એ અવાજ હું કોને સંભળાવું ? અવાજ મને રોજ ધક્કા માર્યા કરતો ને કહેતો કે તું આ બંગલાનો નાશ કરી નાખ. પણ એ મારાથી કેમ થાય ? પૂજાની ઓરડીમાં દેવીની મૂર્તિ આગળ હું છૂટકારા માટે કરગરતો. પણ દેવીની શક્તિ મને તો નિર્જીવ બની જતી લાગતી. બંગલાના ઓરડામાં ફરી વળતો કોઈ અવાજ બધું શોષી લેતો. અત્યારે મારી બાજુમાં ભીખલો બેઠો છે. એ ધુમાડાના ગૂંચળા કાઢ્યા કરે છે. મને ભીખલાને ખભે હાથ મૂકવાનો વિચાર આવે છે. પણ ભીખલો તો જાણે અજમેરમાં છે ને હું સ્ટેશન પર ! કશું જ દેખાતું નથી. મને અંધારા જેવું લાગે છે. મારા ખભા પર ભીખલાનો હાથ ફરતો અનુભવું છું. કદાચ ખાવા જવા માટે મને જોરથી ઢંઢોળે છે પણ મારા પગ હું સ્ટેશનની જમીન પરથી ઊંચકી શક્તો નથી. ભીખલાના ધક્કાને કારણે હાથ હવે સ્થિર નથી રહ્યા. પણ મને તો એવું જ થયા કરે છે કે બસ લખતો જ રહું ! પણ મને ખવડાવવાનો ભીખલાનો આગ્રહ વધતો લાગે છે તેથી અટકું છું.’ ડાયરીના છેલ્લા પાનાને છેડે લખવા માટે પ્રયત્ન કર્યો હોય તેવું મેં જોયું પણ કશુંક ન લખી શકાયું હોય તેમ ચિત્રલિપિ જેવા આડા ઊભા લીટાઓ જ દેખાયા.
કાકાના મૃત્યુના થોડા દિવસો પછી બંગલો ખાલી કરીને એ પાસેના બીજા ઘરમાં જતાં રહ્યાં. કાકાની પત્નીને સખત ટી.બી થઈ ગયો હતો. ક્ષયનાં જન્તુઓએ એની છાતીને ફોલી ખાધી હતી. દવાખાનાના બિછાના પર કણસતાં કણસતાં અંતે બિછાનામાં જ છૂટકારો થયો. થોડા દિવસ પછી અમારી ગાયની ખરી પાકી. તેમાં સફેદ જીવાત ખદબદતી હતી. ત્રણ દિવસ બાદ ગાય જમીન પર પગ ઘસતી ઘસતી મરી. ગાયના આંચળમાંથી છૂટતી દૂધની સેર બોઘરણામાં પડે ત્યારે થોડીવારમાં તો ફીણવાળું દૂધ ભરાવા લાગે એ વાતને યાદ કરવાની મારી તો હિંમત જ નહોતી.
માએ એક દિવસ બાપુને સમજાવવાની કોશિશ કરેલી, ‘બંગલો વેચી નાખો.’ પણ બાપુ માન્યા નહિ. ધીમે ધીમે બધું ઘસાવા લાગ્યું. તાંબા-પિત્તળનાં મોટાં વાસણો, પટારા, મોટાં મોટાં કબાટ, બધું વેચાતું ગયું. અંતે, બાપુએ બંગલો બચી ડોશીને ગીરવે આપ્યો. એક વર્ષની મુદ્દત રાખી હતી. બંગલાની ઊંડી ચિંતામાં બાપુના લોહીનું પાણી થવા માંડેલું લિવરમાં પાણી ભરાવા લાગ્યું. અંતે, શહેરમાં ઑપરેશન કરાવવા ગયા ત્યારથી હું એમના પાછા આવવાની રાહ જોતો. દાદરનો વાસેલો દરવાજો ક્યારે ઊઘડશે ને એમને હું જોઉં એવું થયા કરતું’તું. તે આજે એઓ આવ્યા તેથી મન થોડું હળવું થયું. પણ બાપુના હાથમાં બંગલાનો દસ્તાવેજ જોતાં મન ચકરાવાઓમાં સપડાતું દૂરના ભૂતકાળને ફંફોસતું રહ્યું. માને બાપુના હાથમાંથી દસ્તાવેજ ઝૂંટવતી જોતાં મારું મન બાપુના ધ્રુજતા હાથને પકડવા પણે દોડ્યું. માને બંગલાનો દસ્તાવેજ તિજોરીમાં મૂકતી મેં જોઈ. બાપુ સૂનમૂન ઊભા હતા. પછી થાક લાગવાથી બેસી જતાં મેં જોયા. બાપુએ માને કહ્યું કે આજે બચી ડોશીને બોલાવી લે.
બંગલો સોંપી દઈએ. હવે મુદ્દલ રકમનું વ્યાજ ક્યાંથી ભરું?
બચી ડોશીને બોલાવવા માટે મોટાભાઈ ગયા. હું ફરી હિંડોળા પર પગ લંબાવીને જાસૂસી કથા વાંચવા લાગ્યો. પણ જાસૂસી કથાનો અંત મારે અધૂરો મૂકવો પડ્યો. થોડીવારમાં બચી ડોશી આવી ગયાં. બાપુએ બંગલાનો દસ્તાવેજ બચી ડોશીના હાથમાં મૂક્યો, ‘લો, તમારી મિલકત ! વકીલ પાસે કરાવેલ કરારનામાનો કાગળ પણ સાથે જ છે.’ બાપુએ છુટકારો લેતાં, પલંગ પર પોતાની જાતને પાછી ઢળવા દીધી. પણ બચી ડોશીએ તો દસ્તાવેજનો જમીન પર ઘા કર્યો. દસ્તાવેજનાં પાનાં પિનમાંથી ફેલાઈને લબડી પડ્યાં. બચી ડોશી ઊંચા અવાજે બોલ્યાં, ‘મને મારી રકમ પાછી આપી દો. મારે તમારો બંગલો નથી જોઈતો!’ બાપુએ પૂછ્યું, ‘કેમ નથી જોઈતો ? બચી ડોશી કશું બોલ્યાં નહિ. ઊભાં થઈને જતાં રહ્યાં. બાપુ ગંભીર ચહેરે પથારીમાં બેસી રહ્યા. બારસના દિવસની રાત પડવાની શરૂ થઈ ગઈ હતી.
બીજે દિવસે ધનતેરસની સવારે બાપુ અચાનક નવાં કપડાં પહેરીને દાદર પર પાસે ઊભા હતા. હાથમાં લાકડી હતી. માએ પૂછ્યું, ‘ક્યાં જાવ છો ?’ ‘બંગલે’ ‘બંગલે ?’ ‘હા ! આ સુરેશને પણ સાથે લેતો જાઉં છું.’
બાપુએ અને મેં મહામહેનતે બંગલાનો તોતિંગ દરવાજો ખોલ્યો. દાદર પર પડતા લાકડીના ઠકઠક અવાજથી ઉપરના ઓરડાઓ મહાપરાણે આળસ મરડતા દેખાયા. બાપુએ મને કહ્યું, ‘નાના કાકાની પૂજાની ઓરડી બહાર તું બેસજે, હું થોડીવારમાં પૂજા કરીને આવું છું.’
હું તો રાહ જોતો બહાર બેઠો. મને આશ્ચર્ય થતું હતું કે મહિનાઓથી બંધ પૂજાની ઓરડીમાં બાપુને ગૂંગળામણ નહિ થતી હોય ! પણ થોડીવારમાં જોઉં છું તો નાનાકાકા, ભીખલો અને બીજા કવ્વાલ જલસો કરતા ગાતા હતા. નાના કાકાના ઝભ્ભાનાં બટન પર હાંડીના દીવાનો પ્રકાશ પછડાતો હતો. જલસાના અવાજો મારા કાને પડઘાતા હતા. મેં ખૂબ બૂમો પાડી પણ નાના કાકાએ એકેય વાર મારો અવાજ સાંભળ્યો જ નહિ. હું ડરીને પૂજાની ઓરડીમાં બેઠેલા બાપુ પડે જવા દોડ્યો. પૂજાની ઓરડી ખુલ્લી પડી હતી. અંદરથી કોહવાઈ ગયેલાં ફૂલોની દુર્ગધ આવતી હતી. પણ માતાજીની મૂર્તિ પાસે એક તાજું ફૂલ પડેલું હતું. મેં બાપુને શોધ્યા પણ દેખાયા નહિ. ડરનો માર્યો હું નીચે આવ્યો. જોયું તો બાપુ ખુરશીમાં લાંબા થઈને પડ્યા હતા. એમનાં નાક, કાન અને મોમાંથી ધીમેધીમે વહેતું લોહી બહાર આવતું હતું. એમની છાતી સપાટ પાટિયા જેવી લાગતી હતી. બંગલાની ચાવીઓનો ઝૂડો એમના હાથમાંથી સરકીને ખુરશી નીચે પડી ગયો હતો. ચાવીઓનો ઝૂડો ફેકું એ પહેલાં તો ભીખલાએ મારો હાથ ઝાલી લીધો. એ મને બંગલાના મોટા ઓરડામાં લાવ્યો. મારો હાથ પકડીને બોલ્યો, ‘નાના માલિક, હવે તમે જ આ સંપત્તિના રખેવાળ છો. બંગલાના મોટા મોટા ઓરડાનાં ઝુમ્મરો ને હાંડીના દીવાઓ ક્યારેય બુઝાવા દેશો નહિ.’ ભીખલો દાદર ઊતરતો બહારથી બંગલાના તોતિંગ દરવાજા ભીડીને જતો દેખાયો. એનો દેહ ધીમે ધીમે મોટો થતાં બંગલાનો દરવાજો ઓળંગતો પેલી પાર દ્રદશ્ય થતો લાગ્યો.
હું ખુરશીમાં પડેલા બાપુના શબ પાસે ગયો. એમના પગ પાસે ચાવીઓનો ઝૂડો મૂક્યો. પછી ધીમેથી અવાજ ન થાય તેમ દાદર ઊતરી બહાર આવ્યો. મેં ઘર તરફ જવા પગ ઉપાડ્યા. ઘરની બધી વ્યક્તિ અમારી રાહ જોતી ડેલી આગળ ઊભી હતી. મા મને એકલાને જોતાં જ દોડીને આવી, મને લગભગ હલાવી નાખતી, ‘તારા બાપુ ક્યાં છે તેવી ચીસો પાડતી રહી. હું સમજાવીને બધાને અંદર લઈ ગયો. બાપુના મૃત્યુની વાત બધાં ફાટી આંખે સાંભળતાં રહ્યાં. માએ તો બંગલે જવાની હઠ પકડી પણ મેં ત્યાં ખૂબ અંધારું છે તેથી વહેલી સવારે જ જવાનું સમજાવ્યું.
કાળીચૌદસની સવારે અમે બધાં બંગલે પહોચ્યાં. મોટા ઓરડામાં પહોંચ્યા. ખુરશીમાં બાપુનો મૃતદેહ પડેલો. આંખ, કાન, નાક અને મોમાંથી વહી વહીને લોહી રેલાઈને ખુરશીમાં થીજી ગયેલું. પગ પાસે ચાવીઓનો ઝૂડો પડેલો.
અમે બધાં પાછા ઘેર આવ્યાં. મા સૂનમૂન બની વાસેલા દાદર તરફ જોતી બેસી રડી. તે સાંજે એમના અંતિમ સંસ્કાર કર્યા.
બીજે દિવસે હું એકલો જ ચૂપચાપ બંગલે ગયો. પણ મેં જોયું તો ખુરશીમાં બાપુનું શબ ચાવીનો ઝૂડો પકડીને બેઠેલું. એ દિવસ પછી તો રોજ સાંજે બંગલે જવાનો મારો ક્રમ બની ગયો. ખુરશીમાં પડેલા બાપુના શબની પાસે બેસીને બંગલા વિશેની એક નવી વાર્તા લખતો. તમે જે વાંચી તે બંગલા વિશેની મારી પહેલી વાર્તા હતી.
0 comments
Leave comment