43 - ટિટોડી અને સાગર / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
સાગરને તીર એક ટટળે ટિટોડી,
ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.
સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે,
ટટળી કળેળતી કાઢે છે રીસ.

મસ્તીના ઘેનમાં ગાજે મહેરામણો,
છોને ટિટોડી રાંડ ટટળી મરે,
ડુંગર શાં જહાજ મેં કૈં કૈં ડુબાવ્યાં,
ઈંડાં ભૂંડાં તારાં પાછાં ફરે ?

થાકી ટિટોડીએ દુનિયાની પંખ જાત
ઘેરે ઘેરે જઈ ભેગી કરી,
ઈંડાં ટિટોડીનાં પાછાં અપાવવા
પંખીની સેન ત્યાં આવી ચડી.

ચાંચે સમાણું જે તરણું કે કાંકરો
પાણો પથ્થર સૌ પંજે લઈ,
માંડ્યો સાગરને પંખીએ પૂરવા,
દરિયાની ઊંઘ ત્યાં ઊડી ગઈ.

સાતે પાતાળનાં સળક્યાં પાણીડાં
દરિયાને પેટ આગ ભડકી રહી,
દરિયો ત્યાં હારિયો, કરગરતો આવિયો,
ઈંડાં ખોબામાં પાછાં લઈ.

સાગરને તીર ત્યાં હરખે ટિટોડી,
મોતી શાં ઈંડાં પાછાં લઈ,
સૌને ડુબાડતો દરિયો મેં ડારિયો
એના સૌ ભેદ મેં જોયાં જઈ.0 comments


Leave comment