46 - વેરણ મીંદડી / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
(ઢાળ – ‘કાચબાકાચબી’ના ભજનને લગતો)

આદમ તને મીંદડી રે
મધરાતે વેરણ થઈ.
આદમ તને મીંદડી વેરણ થઈ.

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,
ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,
ત્યાં ઘરમાં દોટંદોટ થઈ. આદમ...

છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીભાઈ,
જાળવી માર્યો ભૂસકો તોયે પડી પથારી માંહી,
પીંજારણ કૂદવા લાગી ગઈ. આદમ..

દીવાસળીનું ઠેકાણું ન મળે, દીવામાં દિવેટ નહિ,
આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ,
નાનો ત્યારે અલિયો ઊઠ્યો ધાઈ, આદમ...

અલિયે ઊઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,
ચાર પૈસાની હાંડલી આણી મેલી’તી ચૂલાની બેડ,
અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આદમ...

ઉંદર નાઠા બિલ્લી નાઠી, ચમકારો જ્યાં કીધો,
બેડ ઉપરની હાંડલી ઉપર, અલિયે ફટકો દીધો,
બિચારી હાંડલી ભાંગી ગઈ. આદમ...

હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું, વાસણ ન રહ્યું કંઈ,
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ,
આદમને નીંદરા વેરણ થઈ. આદમ....0 comments


Leave comment