49 - દેડકાં હસતાં હતાં / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’દેડકાં હસતાં હતાં,
હાથીને જોઈને ભાઈ,
દેડકાં હસતાં હતાં.

એક કહે, ભાઈ, આવડું શરીર સાવ નકામું ભાઈ,
આવડી મોટી કોઠી રાખવી કિયા ખાબડા માંહી,
ભગવાનની મહેનત ફોગટ ભાઈ. હાથી...

એક કહે, ભાઈ હાથિયાને જો ચાલતાં આવડે નાહીં
ડગગ ડગગ ચાલે એ તો, કૂદી ન જાણે કાંઈ,
એની રે ફાંદ તો ફાટી જાય. હાથીને...

એક કહે, ભાઈ હાથિયાને જો બોલતાં આવડે નાહીં,
ઘોંઘાટ એની બોદલી, આપણી ડ્રાંવની તોલે ન ભાઈ,
મઝા ના ડ્રાંવની જાણે ભાઈ. હાથીને...


એક કહે, એનો હોઠ ઉપરનો લટક્યો દોરડા જેવો,
બૂચા મોઢે મીઠડો ખાવો માખીઓ કેરો મેવો,
એ શું જાણે તૂમડા જેવો ? હાથીને...

એક કહે, એના પગ જુઓ ને થાંભલા મોટા જાણે,
આપણા પગ તો પાતળા કેવા પાણી કાપતા માણે,
એ તો ચાલતો માંડ પરાણે. હાથીને...

એક કહે, એની આવડી દેહમાં આંખ છે છેક લગાર,
ગોળ ફટાળી આપણી આંખમાં કેવા તેજઅંબાર !
એનો ભાઈ આંધળિયો અવતાર. હાથીને...

એક કહે, એને સૂપડા જેવા કાનનો ફોગર ભાર,
કાન વગરના આપણે કેવા રૂપતણા ભંડાર !
નથી એની કદરૂપીનો પાર. હાથીને...

એક કહે, ભાઈ દુઃખડાં એનાં ભગવાને નહિ જાણે,
મારું ચાલતું હોય તો એને દેડકો કરું અટાણે,
એનાં દુઃખનો અંત કો આણે ? હાથીને...0 comments


Leave comment