55 - ગુર્જરી ગુંજે / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
ગુર્જરીની ગૃહકુંજે,
અમારું જીવન ગુંજે ગુંજે.

આંખ ખૂલી અમ અહીંયાં પહેલી,
પગલી ભરી હ્યાં પહેલી,
અહીં અમારાં યૌવન કેરી,
વાદળીઓ વરસેલી. ગુર્જરીની...

અહીં શિયાળે તાપ્યા સગડી,
કોકિલ સુણી વસંતે,
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં,
ઝણઝણતા ઉર તંત્રે. ગુર્જરીની...

અમે ભમ્યા અહીંનાં ખેતરમાં,
ડુંગરમાં, કોતરમાં,
નદીઓમાં નાહ્યા આળોટ્યા
કુદરત પાનેતરમાં. ગુર્જરીની...

અહીં અમારાં તનધન અર્પ્યાં,
પૌરુષપૂર સમર્પ્યાં,
આ જગવાડી સુફલિત કરવા,
અમ અંતર રસ અર્ચ્યાં. ગુર્જરીની...

અમે અહીં રોયા કલ્લોલ્યા,
અહીં ઊઠ્યા પડછાયા,
જીવનજંગે જગત ભમ્યા પણ,
વીસર્યા નહિ ગૃહમાયા. ગુર્જરીની...0 comments


Leave comment