56 - જય મા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
જય જય તુજ હો, વિજય વિજય મા !
તુજ મંગલ જયકાર સદા મા !

યુગયુગના અંધાર પછી આ ઉષા અહીં અવતરતી,
આજે મુક્ત બની તુજ નૌકા ભરસાગરમાં તરતી, માતા !
જય જય તુજ હો.

આજે ધ્વજ તુજ ગૌરવવંતો લહરે નીલ ગગનમાં,
ત્વ શિશુઓનાં અંતર નર્તે ઉન્નત મુક્ત પવનમાં, માતા !
જય જય તુજ હો.

માનવ કુલમાં હે કુલવંતી ! તવ જીવનવ્રત ન્યારાં,
હે રાજેશ્વરી, દિવ્ય પ્રભા તવ જગને દો અજવાળાં, માતા !
જય જય તુજ હો.

આજ તને વંદન, મા ! તારાં કમલપદે અમ અર્ચન,
તુજ વેદી પર મા, અમ હોજો, જીવન સર્વ સમર્પણ, માતા !
જય જય તુજ હો.0 comments


Leave comment