60 - ક્યાંક પુષ્પોનો વિવશ ઢોળાવ છે / ચિનુ મોદી


ક્યાંક પુષ્પોનો વિવશ ઢોળાવ છે
પુષ્પનો તાજો દીધેલો ઘાવ છે.

શ્વેત પડતી જાય ઇચ્છા એ છતાં
ચાલવાનો શ્વાસનો પ્રસ્તાવ છે.

હું ટકોરાવશ ઊઘડતું બારણું
‘આવ-જા’નો તો ફક્ત દેખાવ છે.

પાણીમાં તેં આંગળી ખોયા પછી
મારી ગઝલોમાં નદી છે, નાવ છે.

હાથમાં તસ્બી છે, માથે તાજ છે
શબ્દનો ‘ઇર્શાદ’ આ સરપાવ છે.


0 comments


Leave comment