60 - મારે મંદિરિયે / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
મારે મંદિરિયે આવજો, પ્રભુજી મારા,
આટલડું એક કંઈ લાવજો.

રંગીલી સાંઝ અને મીઠે પરોઢિયે,
કોયલને ઘોડિયે જઈ અમે પોઢીએ,
નાનકડું ગીત એક લાવજો, પ્રભુજી મારા,
આટલડું એક કંઈ લાવજો.

વડલાની ડાળીએ સરવરની પાળીએ,
બાંધીને હીંચકા ઊંચા ઉછાળીએ,
ગેડી દડૂલો એક લાવજો, પ્રભુજી મારા,
આટલડું એક કંઈ લાવજો.

ફૂલડાંની ફોઈરાણી બોલાવે વાડીએ,
નાચું અમો ને સાથે મોરલા નચાડીએ,
ઝાંઝર ને બંસરી લાવજો, પ્રભુજી મારા,
આટલડું એક કંઈ લાવજો.

ચમકંતા ઊંચા આકાશી ટોડલે,
વાદલડી બેસે જ્યાં છૂટે અંબોલડે,
અમને ઊંચેરાં ઉડાવજો, પ્રભુજી મારા,
આટલડું એક કંઈ લાવજો.0 comments


Leave comment