113 - પદ - ૧૦૪ - કરે ચ્હાય તે વિભુ વ્રજરાય / દયારામ


કરે ચ્હાય તે વિભુ વ્રજરાયજી, ઘટિત મટાડે અઘટિત થાયજી;
શેહ ઉગાડ્યું કંચન બાળ્યુંજી, પથ્થર તાર્યા અંધે ભાળ્યુંજી. ૧

સનકાદિક ઉપજાવ્યો ક્રોધજી, વિધિ મહાજ્ઞાની કર્યા અબોધજી;
નારી કર્યો નર, નર કરી નારીજી, વૃષ્ણિ વૃધ્ધ યૌવનતા ધારીજી, ૨

ઢાળ
ધારિ તરુણતા ત્યમ વૃદ્ધ, ત્યમ કર્યા સંજીવન બહુ મૃત્ય;
વૈકુંઠ પામ્યા પાડિયા, આપી અગત્યને ગત્ય. ૩

ધર્મને અધર્મ ચલાવ્યો, સદ્ગુણી અધર્મિ ધાર્યા;
જે ના બચે તે બચાવ્યાં, જે ના મરે તે માર્યાં. ૪

હરિ ધર્મને અધર્મ કર્યાં, ક્યહું કર્યા અધર્મ ધર્મ;
પ્રભુ કર્મને અકર્મ વળી કર્યાં અકર્મ કર્મ. ૫

બ્રહ્મમાં મલિયા કાઢિયા ટાળિયા બ્રાહ્મણશાપ
ક્યહું પાપ કીધાં પુણ્ય પુણ્યે, પુણ્યે કીધાં પાપ. ૬

હરિ શૂન્ય ભાગ્ય સફલ કીધાં, મટાડ્યાં પ્રારબ્ધ;
મન પ્રકૃતિ વશ કરાવી, સુઅલબ્ધ કીધાં લબ્ધ. ૭

ઉત્તમ ન કરવો ગર્વ કો હૈયાટવું ન પતિત;
દીન ભાવ પ્રીતમ દયાપ્રભુ, ભજવતાં સર્વનું હિત. ૮
-૦-


0 comments


Leave comment