114 - પદ - ૧૦૫ - શીખ સમુચ્ચય કહું સુણ સારજી / દયારામ


શીખ સમુચ્ચય કહું સુણ સારજી, જેથી રીઝે નંદકુમારજી;
લાખ શીખની કહું એક શિક્ષાજી, કૃષ્ણે સેવવા વૈષ્ણવી દીક્ષાજી. ૧

દૃઢ શરણાગતિ દૃઢ વિશ્વાસજી, હરિગુરુ વૈષણવ થાવું દાસજી,
ભગવદીય લહી કરવો સત્સંગજી, દોષ ન જોવા સાચો રંગજી. ૨

ઢાળ
ઉપદેશ સાર

રંગ રાખી રટવું નિરંતર, શ્રીકૃષ્ણ નામ પવિત્ર;
દીનતા ભાવે ગાન કરવાં કેવલ કૃષ્ણચરિત્ર. ૩

સહુ ભૂત ઉપર દયા, સહુ ઇન્દ્રિય સુપથ સંતોષ;
રતિ કૃષ્ણ પતિમાં રાખવી, મતિ ગુરુચરણ નિર્દોષ. ૪

દુસ્સંગ દુષ્કૃતિ નાસવું, કામાદિ રિપુથી દૂર;
દુઃખ સુખ લાભ સમ, હરિરૂપ રાખવું ઉર. ૫

અહંકાર આલસ ટાળવું, ગુરુવચન પૂર્ણ પ્રતીત;
પાખંડ અસદ આલાપ, કોઈ જીવ દુઃખાતાં ભયભીત. ૬

ચો જયંતી, ચોવીસ એકાદશી, જાગરણ યુક્ત;
વૈષ્ણવ પ્રથા નીતિ ચાલવું, ઉર અમલ જીવન્મુક્ત. ૭

લૌકિક વૈદિક ત્યાગ, દૃઢ આશ્રય, અનન્ય વ્રજેશ;
જન દયાપ્રીતમ કૃષ્ણ રુચિ, સાધવી વૈષ્ણવ વેશ. ૮
-0 -


0 comments


Leave comment