24 - આ તરંગો છે, તરંગો પળ પછી શમતા રહે / ચિનુ મોદી


આ તરંગો છે, તરંગો પળ પછી શમતા રહે
એ જ આશામાં દિવસ ઊગે અને ઢળતા રહે.

ચાવી ભરતાં ચાલતું એવું રમકડું લાવવા
મારી પાસે આવી લોકો ચાવીઓ ભરતા રહે.

આયનામાંથી મને હદપાર કરવાના હુકમ
તારી ઇચ્છાના ગુનાસર મારા પર બજતા રહે.

કોઈ ખોરંભે ચડેલા કામના બોજા નીચે
આ સમયના મ્હેલના પાયાઓ ડગમગતા રહે.

શહેર અમદાવાદમાં ‘ઇર્શાદ’ કોના શાપથી
લાગણીના નામ સાથે પથ્થરો પડતા રહે ?


0 comments


Leave comment