1 - કવિતા એટલે શું ? / દિલીપ ઝવેરી


    પણ આખરે જાણ થઈ ખરી કે કવિતા એટલે શું.
    કવિતા એટલે જેનું બીજું નામ ન પાડી શકાય તે. જેની વ્યાખ્યા ન કરી શકાય તે. જેનાં લક્ષણ ન બાંધી શકાય તે. જેને વર્ણવી ન શકાય તે. છતાં જે સાક્ષાત્ સાથે હોય અને ક્ષણેક્ષણ સંવાદ કરતી રહે છે. કવિતા એટલે અશરીરી ચેતના જે મનફાવતાં રૂપ ધરે. કવિતા એટલે અવકાશ જ્યાં સમગ્ર અસ્તિત્વ સાથે વિસ્તરી શકાય. પણ આ અસ્તિત્વ વિસ્તરતાં વિસ્તરતાં રૂપાંતર કરતું રહે. પોતાનું નામ ન રહે. ઓળખ ન રહે. ઈતિહાસ ન રહે. અનેક અસ્તિત્વ ભેળાં થાય. અનેક અસ્તિત્વ ભળી જાય. રેતીથી માંડી આકાશગંગાઓ એકમેકમાં જોડાઈ જાય. સંવેદનો, ઇચ્છાઓ, વેદનાઓ, આનંદ, સ્મૃતિ, કલ્પના લગરીક પણ લુપ્ત થયા વિના એકાકાર થઈ જાય. એક જ આકાર જેવું પણ કંઈ રહે નહીં. કારણ કે એક પછી એક બીજું કંઈ હોય જ નહીં. જે રહે તે અનાદિ, અનંત, અવિનાશી અસ્તિત્વ. માણસ હોવું એ તો કેવળ નિમિત્ત. માછલી, પંખી, કાંકરો, વાદળ, રંગ, નિહારિકા, રણકાર, કાર્બન, તેજ, આગ કે હેલિયમની જેમ.
   પણ આ પ્રતીતિ કરાવે છે કોણ?
   શબ્દ.


0 comments


Leave comment