5 - કવિની વાત ૧ : ધવલ ભગવતી / દિલીપ ઝવેરી


બહુ કાલાં કાઢ્યાં છે કવિતા પાસે,
કવિતાને મા માની, બહેનપણી માની. ઘરવાળી માની, દેવી માની. કવિતા પાસે માગ્યું પાર વિનાનું અને ઘણીવાર મતા વિનાનું, ગજવે આરસી કરીને રાખી કવિતાને પોતાને જ દેખવા. કવિતા જોડે નાતો કર્યો, જાણે માણસ-માણસ ભેળો હોય એવો.

પણ કવિતા તો પાણો. દેવી માની પાણી રેડો તોય પાણો, માથું અફળાવી વરદાન માંગવા જાવ તો ય પાણો. પંપાળો તો ય પાણો. પડતો મેલીને હલતા થાવ તોય પાણો. ગળે બાંધીને બૂડી મરે તો ય પાણો.

જ્યારે આ પાણો અને પોતાની જાત વચ્ચેનો ભેદ સમજાણો ત્યારે કવિતા એટલે શું શું એની અલપઝલપ ઝાંખી થઈ અને કોણે કહ્યું કે આ ઝાંખી એટલે ઝબકારે ઝીલી લીધેલું સકળ સાચ ! ઝાંખું પાંખું દેખ્યું એનું આવડું ગુમાન તે મ કજીએ.

પણ ભલભલા શબ્દવીર, ગુરુ, શાની કવિતાના ભેદભરમ જાણતા હોય છે. એરિસ્ટોટલ બાપુથી માંડીને ભક્ત દેવિદાસની પ્રચંડ ભજનમંડળી કે મસમોટા ભરથરી. ગણ્યા ગણાય નહીં એટલાં નામ છે. પણ એક જાણતલ આખાબોલો, મારી જાતનો સોનારો કહી ગયો – કવિને જ્ઞાની મા ગણીશ. કારણ કે કવિ તો મૂરખ-પથ્થર એટલા પૂજે દેવ.

મેં ય બારતેર વરસની ઉંમરે ઘાંટો ફૂટ્યો ત્યારે આકાશના પથરાની પહેલવેલી કવિતા કરેલી.
આકાશે તારા ગુણવાન
હૈયે પણ તે છે રૂપવાન
શિરે છે મોતીના તાજ
ચળકે છે માનવતા કાજ.
નવા નવા છંદ શીખતો હતો. સીધા સાદા ચોપાઈમાં પણ લઘુગુરુની છૂટ લેતાં લાજ ન આવી. પણ પાયાની જ ગેરસમજનું ભાન નહીં. જીવન, જગત અને શબ્દને માત્ર માનવીય સંદર્ભમાં દેખાડતાં ચશ્માંને કારણે ‘ચળકે છે માનવતા કાજ'. સદીઓની સદીઓ સુધી રૂઢ થયેલો અધિકાર. માણસથી લસરીને પોતાની જાત લગી પાગ્યા કે કેન્દ્ર મળ્યું. પોતાની એ જાતને કવિ થવાના અભરખા એટલે નિશાળના માસ્તરોએ ભણવાની ચોપડીમાં જે છપાય તેને કવિ મનાવી જે શીખવ્યું તેવા થવાની ધમાલ. દ્રૂત વિલંબિત, ઉપજાતિ, ઝૂલણા એવા સહેલા છંદો પાછળ મજૂરી. મુક્તક, ગીત, ખંડકાવ્ય અને પછી તો સોનેટ, સોનેટ લખવાની ઉતાવળ. દેશભક્તિ, ઈશ્વરભક્તિ, આત્મમંથન, સત્યની શોધ, પરમ પ્રકાશ એવી મોટી મોટી અભિલાષાઓ. આદર્શ માટે જડી રાખ્યા કાન્ત, સુન્દરમ્, ઉમાશંકર. પ્રતિબિંબનાં અનુકરણ કરવાનાં.

ફૂલ-તારાની ભાતનું પૂઠું ચડાવીને નવી નોટબૂકમાં રંગીન પેન્સિલોથી સજાવી, સુઘડ નકલ કરી, શીર્ષક હેઠળ વળાંક લેતી લીટી દોરી, વચ્ચે ટપકાં કરી, કૌંસમાં એક એક છંદનું નામ લખી નાની મોટી કવિતા ઉમેરતા જવાનું. નિશાળમાં માસ્તરોના વહાલા હોવાથી ‘મેગેઝિન’માં છપાવાની સાથે એક-બે ઈનામ પણ મળે. દોસ્તો કંટાળે. પાછો કોઈ હરીફ નીકળે તો એનાથી ઝાઝી લાંબી કવિતા લખી દેખાડવી. કેટલી કવિતા લખી તેના સરવાળા સરખાવવા. ક્યારેક રોબ ચડે અને ક્યારેક વીલા પડવાનું.

ગુજરાતી મુંબઈમાં નવરાત્રિમાં ક્યાંક ને ક્યાંક કવિસંમેલન અચૂક હોય. ચોપડી ઝાલીને ઊભા રહેવાનું. કોઈ કારભારીની નજર પડે તો દીન આંખે વીનવવાનું. મંચ ઉપર સફળ અને મોટા કવિઓ હસાવનારા, ગાઈને સંભળાવનારા, વટથી દુબારા અને તાળીઓ વસૂલ કરનારા. સંચાલક લાંબાટૂંકાં વખાણ કરતાં કરતાં પોતાની પણ સંભળાવતા જાય. સંકોચાતી જતી જાત ટીપાટપકા જેવડી થઈ જાય ત્યારે નોતરું આવે અને અને નોરતામાં ઓરતાથી પોતાને કે સાંભળનારને ન સમજાય એવું ઠસ્સાથી બોલી દેખાડીએ. સામે બેસેલાંને તો તાળી પાડવાની ટેવ એટલે પતાવીને હરખથી હેઠે ઊતરીએ. આટલું જ પ્રયોજન કવિતા લખવા માટે.

કૉલેજમાં ગયા પછી ભાવ ખાવા મળે નહીં. પહેલું ખરીદેલું પુસ્તક પૂર્વાલાપ વારેવારે વાંચતા રહેવાનું અને ક્યાંકથી તફડાવેલા ગાલિબ, દાગ કે ઝફરનાં શેર સંભારી રાખવાના. પોતાનીને બદલે બીજાની સંભળાવીને કવિ થવાનો લહાવો લેવાનો.

જૂની નોટબૂક રદ કરી નવેસરથી નવાં અનુકરણ કરવાનાં. શિખરિણી, મંદાક્રાંતા, પૃથ્વી જેવા છંદો સિફતથી લખાતા થયા. લાઇબ્રેરીમાંથી પુસ્તકો મળતાં થયાં. કાન્ત પછીના કવિ વંચાતા થયા. માત્રામેળ છંદમાં હરિગીત બહુ પ્રચલિત. ખંડ-વ્યસ્ત-પરંપરિત હરિગીતમાં નાની મોટી લીટીઓ લખાય. આકાશ-વાદળ-સાંજ-વરસાદ અને સુગંધમાં ઉમેરાય કોઈનો ફરકતો પાલવ. આ બાહ્યજગત. વળી પાછું સ્વપ્નદોષ થાય કે તરત ભીતરના આત્માના ઉત્થાનની વાત ઉપજાતિ છંદોમાં ક્ષમા માંગવા માટે. તમિસ્ત્ર-ગહન-ગહવર-પર્વતશિખર-સૂર્યતેજ-અનંત. આ તમસથી સત્ત્વની યાત્રાનો અહેવાલ મોકલવાનો હોય તો એક ભરોસાનું સરનામું: દક્ષિણા, શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી, પહોંચે સુન્દરમને નામે. પોતાને સંતાડી રાખવા ગોત્યું ઉપનામ – તુષાર બિંદુ, સુન્દરમ્ કહે ટૂંકું કરો. તુષાર રાખો. બિંદુ કરતાં મોટા થયા પણ નમ્રતાનો ડોળ એવો ને એવો. કવિતા છપાતી થઈ.

કૉલેજમાં વાંચવા ખૂબ મળે. નિશાળમાં શિક્ષકો જેમ નરસિંહ મહેતા, કાન્ત, સુન્દરમ્ અને ઉમાશંકરને મહાકવિ મનાવતા તેમ અહીં દલપતરામ-નર્મદ પછીના કવિઓએ જેમને મહાકવિ માનેલા તે શેલી, બાયરન, કીટ્સ, ટેનિસન, વર્ડઝવર્થને વાંચવાનું આરંભ્યું. સમજ તો પડે નહીં પણ હંકારે જવાનું. પાસે અંગ્રેજીનો ખિસાકોશ નાનો એટલે ઘણા શબ્દોના અર્થ અજાણ. ઇતિહાસ કે મિથ અજાણ. પણ જાત સાથે જૂઠું બોલવાની ટેવ એટલે મોટું મોટું વાંચ્યાનો ગરવધરવ ઝાઝો. પ્રતિસ્પર્ધી તો અહીં પણ મળે. કોઈ મિત્ર થઈને તો કોઈ વડીલ થવાને. અંગ્રેજીમાં જે વંચાય તેની કોઈ અસર લખ્યા પર ન પડે. પણ લખતાં લખતાં છંદ પાકા થયા. સુઘડ છંદો પર મોહી જનારા બચુભાઈ. ‘કુમાર’માં કવિતા છપાતી થઈ. વરસેકમાં ઉપનામની આંગળી છોડી પોતાના જ નામને ચાલતું કર્યું. અને કોઈ દેવદૂતે હળવેકથી અડીને કહ્યું કે જા, રાજાબાઈ ટાવરની નીચે ઘાસમાં શેતરંજી પસારી રવિવારની સવારે કવિઓ સાથે બેસે છે.

ગળાની જમણી બાજુના બોરિયામાં કાંઠલો બાંધેલી ધોળી કફની, ઊજળો લેંઘો. રૂપાળું પાણીદાર નાક, ચશ્માં પાછળની આંખમાં મસ્તી કે તાગી ન શકાય એવાં ઊંડાણ. પટ કરતાંક પ્રેમ વરતાય એવો ગળ્યો અવાજ. અને આ સોળ વરસનો છોકરો એમની કેડ જેટલો પહોંચે એટલી ઊંચાઈ. રાજેન્દ્ર શાહ.

પછી તો એમના પ્રેસમાં મળતા થયાં. એલિયટ, એઝરા પાઉંડ, વાલેરી, જુલે લાફો, રવીન્દ્રનાથ, કાલિદાસ, ખજૂરાહોનાં શિલ્પની કામકલા એમના લાંબા ટેબલ ઉપર. સહવાસમાં પ્રેસમાં વપરાતી ત્રીસ ઇંચની લોખંડી ફૂટપટ્ટી. જબરી ચાલાક. જોડણી-વ્યાકરણની ભૂલ હોય કે તરત ઊંચી થાય. છંદમાં કચાશ હોય તો લપલપે. એકાદું તાજું કલ્પન આવે તો ગોદો મારે. ખોબા જેવડું ગુજરાતી સાહિત્ય વાંચેલું અને ચપટી ભર બહારનું, હવે તો બાથમાં તાણી લેતાં પૂરનાં પાણી. સમકાલીન ગુજરાતી કવિતા ઓળખાતી ગઈ સામયિકોમાં અને સુરેશ દલાલનાં વાર્ષિક સંપાદનોમાં. નિરંજન ભગતના ગુલબંકી આંજી દે. નગર માટેનો એનો રોષ ઊકળે, તોય એને આધુનિક માનીએ. અઘરો જાણી પડતો મેલીએ. (આજે પણ એને કવિતાથી છેટો જાણી પડતો મેલીએ). એટલે સહેલા હરીન્દ્ર-પ્રદ્યુમ્ન- પ્રિયકાંત સાથે દોસ્તી થઈ. એમની દયારામ પરંપરામાં જોડાઈને કશુંક ગેય અને કશુંક અછાંદસ લખાતું થયું. ઉપમાઓ અને કલ્પનની સતત શોધ. ‘કવિલોક’ની કસોટી પર પરખાયા પછી પ્રકાશન સરળ.

આ સરળ કવિતા લેખનની ભેળભેળ ન સમજાય એવા શબ્દોથી કવિતાને ઓળખાવતા રહેવાની જાતઠગી પણ. અનુભૂતિની સચ્ચાઈ, સંવેદનનાં ઊંડાણ, અભિવ્યક્તિ, પ્રાસાદિક્તા, પારદર્શક્તા, દર્શન. આવું ઘણું બધું ભૂસું ભરીને ઢીંગલી સજવેલી.

રાજુભાઈને કોઈ છોછ નહીં સ્વતંત્રતા સૌને. પ્રયોગ કરો, ચાલે. અછાંદસ લખો, ચાલે. બંડ કરો, ચાલે. આ જ સમયમાં મોટે સાદે બળવો કરવા માટે અછાંદસ લખાતું થયું. ગુલામમોહમ્મદ શેખ નિર્ણય કરીને પોતાનું ધાર્યું લખવા માટે અછાંદસ ચૂંટે. તો કોઈ પોતાનું ધાર્યું બોલવા માટે અછાંદસ લખે. પણ વાતે એમ કે સૌ કોઈ છંદમાં પાવરધા. પોતાની આગલી પેઢીઓના કવિ કરતાંય. ત્યારે કોઈ નબળાઈને કારણે અછાંદસ ન લખાતું. છતાં દરેક કવિની ભીતર જ બે ભાગલા પડી ગયા. એક રંગદર્શી કુશળ અને બીજો શોધમાં નીકળેલો સાહસિક. સમય વીતતાં કેટલાક કુશળ સાહસિક નીવડ્યા.

છંદમાં લખવું સહેલું હતું ત્યારે અછાંદસ અઘરું પડ્યું. ક્યાં થોભવું, ક્યાં ટૂંકાવવું, ક્યાં લસરતાં બચવું એ જાતે જ શીખવાનું. ‘કુમાર’માં રંગદર્શી છપાય અને ‘ક્ષિતિજ’ માં સાહસ. બચુભાઈ મરજાદી. નિયમ તૂટે તો મૂંગા ન રહે. સુરેશભાઈ મૂંગા પણ મનસ્વી. બોલે તો બોદલેર, રામ્બો, રિલ્કે, લોર્કા કે જીવનાનંદ દાસ વિશે. (લોર્કાના વિષયમાં આજે હસવું આવે છે. ભોળે ભાવે ગમી જતી એના અંગ્રેજી અનુવાદની લીટીઓ. Oxen wear large silver bells. આનો લય ચોપાઈની નજીક એટલે ઓળખીતો લાગે.) એની કવિતાથી ચડિયાતાં એનાં નાટક ત્યારે વાંચેલાં નહીં. આ લોકબોલીના ચારણ લોર્કાનું નાની ઉંમરે ઝેરીલી લડાઈમાં અવસાન તેથી પેલા કીટ્સ, બાયરન, શેલીની નાતભેળો. વહેલા મોતથી ઘેલી થનારી પ્રજા ગુજરાતી જ નથી. તોરુ દત્ત અને માઈકેલ મધુસૂદનનાં વાજાં બંગાળીઓ વગાડતાં જ રહ્યાં છે ને કવિતાને કવિના જીવનથી નોખી કરીને વાંચતા શીખવાનું હજી આઘે હતું. ત્યારે તો જીવન એટલે કવિતા અને કવિતા એટલે જ જીવન એવાં ગઢવી સૂરવાક્ય ભેજામાં ગાજતાં હતાં. પ્રણાલિકા ભંગ સુરેશભાઈને મન ભાવે પણ પાછા સાહસિકોને કુંઠિત માને. સામસામાં ધ્રુવબિંદુએ અને વિવિધ મૂલ્યભેદ છતાં બેઉએ સાહિત્ય સાથે અન્ય કળાઓના સંવાદનો પુરસ્કાર કર્યો, એમને બેઉને કારણે ગુજરાતી કવિતાની બે પેઢી પાંગરી. આધુનિક કવિઓએ એમનો વયાનુસાર અપરિહાર્ય વિરોધ પણ કર્યો છતાં એમનાં કલામૂલ્યોથી અવચ્છેદ્ય કલાલક્ષ્યનો સ્વીકાર પણ કર્યો.

આ તો થયો યૌવન સુધીનો ઇતિહાસ. આમાં પેલી કવિતા ક્યાં આવી? લખી જ ન હોય તો ક્યાંથી આવે? પણ જે કંઈ લખાતું તે બધું જ કુમાર-ક્ષિતિજ-કવિલોકમાં સ્વીકૃત થતું. કવિ થવું આટલું સહેલું !

પૂનામાં દાક્તરી ભણતાં આપવેઠે વાંચતો થયો. રિલ્કે, ફરીથી એલિયટ, બોદલેર, સાર્ત્ર, કામૂ, આયનેસ્કો, આર્થર મિલર, રવીન્દ્રનાથ – બધું સેળભેળ, સાહિત્યથી વેગળો પડોશ જોવાને ફ્રોઈડ. મા-બેનપણી-દેવી ભુલાઈ ગઈ. બચુભાઈ-સુરેશભાઈ પાસે પુરાંતમાં પડેલી કૃતિઓને ન છાપવા ચિઠ્ઠીઓ મોકલાવી દીધી. પછી પંદર વરસ કાઢ્યાં. પોતાની સાથે. ખૂબ ખૂબ ખૂબ વાંચ્યું. ન્યાલ થઈ ગયો. કવિ, લેખકો અને વિચારકોનાં નામની યાદી મૂકું તો પાનાંનાં પાનાં ભરાઈ જાય.

પણ આખરે જાણ થઈ ખરી કે કવિતા એટલે શું.
કવિતા એટલે જેનું બીજું નામ ન પાડી શકાય છે. જેની વ્યાખ્યા ન કરી શકાય તે. જેનાં લક્ષણ ન બાંધી શકાય છે. જેને વર્ણવી ન શકાય તે. છતાં જે સાક્ષાત્ સાથે હોય અને ક્ષણેક્ષણ સંવાદ કરતી રહે છે. કવિતા એટલે અશરીરી ચેતના જે મનફાવતાં રૂપ ધરે. કવિતા એટલે અવકાશ જ્યાં સમગ્ર અસ્તિત્વ સાથે વિસ્તરી શકાય. પણ આ અસ્તિત્વ વિસ્તરતાં વિસ્તરતાં રૂપાંતર કરતું રહે. પોતાનું નામ ન રહે. ઓળખ ન રહે. ઇતિહાસ ન રહે. અનેક અસ્તિત્વ ભેળાં થાય. અનેક અસ્તિત્વ ભળી જાય. રેતીથી માંડી આકાશગંગાઓ એકમેકમાં જોડાઈ જાય. સંવેદનો, ઇચ્છાઓ, વેદનાઓ, આનંદ, સ્મૃતિ, કલ્પના લગરીક પણ લુપ્ત થયા વિના એકાકાર થઈ જાય. એક જ આકાર જેવું પણ કંઈ રહે નહીં. કારણ કે એક પછી એક બીજું કંઈ હોય જ નહીં. જે રહે તે અનાદિ, અનંત, અવિનાશી અસ્તિત્વ. માણસ હોવું એ તો કેવળ નિમિત્ત. માછલી, પંખી, કાંકરો, વાદળ, રંગ, નિહારિકા, રણકાર, કાર્બન, તેજ, આગ કે હેલિયમની જેમ.

પણ આ પ્રતીતિ કરાવે છે કોણ?
શબ્દ.
શબ્દ એટલે અવાજ-આંકો-નામ-અર્થ-સંદર્ભ-સંસ્કૃતિ-પ્રજ્ઞા અને સતત વિસ્તરતો અવકાશ.

શબ્દ મને ઓળખાવે. મારી વિગતો જોડતો જાય. મારા સમયને ચીતરતો જાય મારા સમય સાથે ઇતર સમયોનો સંવાદ સાધે. આ ઇતર સમયો ઈતિહાસનાં હોય, પ્રદેશના હોય, અને સાહિત્યકૃતિના હોય, ચિત્રોના હોય, સંગીતના હોય, ઈન્દ્રિયોથી અગ્રાહ્ય સંવેદના હોય. મન જેને પામી ન શકે પણ પામવા જાય તે શબ્દાતીતના હોય.

કવિતા સકળને ખપમાં લે તેથી જિવાતું જીવન માત્ર જ એનું કેન્દ્ર ન હોય, પણ સામગ્રી હોય. એમાંથી શબ્દની ઊર્જા બને, જે એક સ્તરે નાદ અને બીજા સ્તરે સંસ્કાર, બેઉની વિવિધ લીલાઓઃ નિજી, સમાંતર કે ઓતપ્રોત. આ લીલાનો આહલાદ લીધો પાંડુ કાવ્યો અને ઇતરની મુંબઈ નગરની કવિતાઓમાં.

રામાયણના મલમલ-આછા પોત ઉપર ભીષણ સાંપ્રદાયિક હત્યાકાંડનું ભરત ગુંથીને લખી ‘ખંડિત કાંડ’ની કવિતાઓ.
મૂળ મહાભારત સંસ્કૃતમાં વારંવાર વાંચીને એના વિશાળ કર્બુર પરિપ્રેક્ષ્યના મંચ ઉપરની અનેક કથાઓના ઇંગિતમાત્ર આધાર લઈ વિવિધ આરંભ કર્યો. જીવન, આ અવતાર, કવિ કૃષ્ણ દ્વૈપાયને કરેલું-કલ્પેલું સર્જન, કવિના અને આ વાસ્તવિક વિશ્વનું અંદર-બહાર, પરંપરાએ માનેલા ઈશ્વર અને વ્યાસે સર્જેલા કૃષ્ણ વાસુદેવ સાથે સંવાદ-વિસંવાદ, જિજીવિષા અને વિનાશનાં વિવિધ આવર્તનોમાં સપડાતાં-સરકતાં-સંકળાતાં-સટકતાં આયોજન કર્યું ‘વ્યાસોચ્છવાસ’ની કવિતાનું.

સમયની ગતિને રૈખિકને બદલે ચક્રાકાર કરતું મહાભારત અનેક બિંદુએ આરંભાય છે. આને કારણે પરિમાણ વિસ્તરતાં જાય છે. પ્રસંગો, એમાંથી ઘડાતી કથા, કથનની વિવિધ પ્રયુક્તિઓ, ઉમેરાતાં સંગત-વિસંગત કથાનકો અનેક શક્યતાઓનાં નિમિત્ત બની રહે છે. નીતિબોધનું આવરણ હટાવતાં આની પ્રતીતિ થાય છે. તો કલમ, કાગળ અને શાહીથી કવિતાનો એક આરંભ કર્યો. બેઉ કૃષ્ણની ભાગીદારીથી પ્રયોજનનો આરંભ કર્યો પ્રસંગોથી કથાનો આરંભ કર્યો. બેઉ કૃષ્ણના જન્મથી માંડી મૂલ્યો અને અર્થઘટનની ભિન્નતાનો આરંભ કર્યો. બેઉને સામસામે કરીને સંવાદ કે વિચારભેદનો આરંભ કર્યો. પાત્રોને કથનસમયથી મુક્ત કરી સ્વપક્ષ પ્રસ્તુત કરવાનો અવસર રચી વિશેષ સંદર્ભો પ્રાપ્ત કર્યા. પરંપરાને અસ્તિત્વવાદી સ્તરે પ્રમાણવાને સમસામયિક સંધાણ મળ્યું.

આ બધું કરતાં કરતાં, છાંદસ, અછાંદસ અને ગદ્યની વિવિધ રીતિઓ તાગતાં તાગતાં વર્તમાનપત્રોની કે સમૂહ માધ્યમોની ભાષા અને શૈલી લગી પહોંચ્યા પછી નાટક પાસે વળ્યો.

‘વ્યાસોચ્છવાસ’ની પહેલી કવિતાની પંક્તિ ‘મને ગર્ભમાં ધારણ કરીને સત્યવતી કહેવાઈ મારી મા, ભાષા – હું કવિ' મળી હતી એક વરદાન રૂપે. જાણ ન હતી કે પછવાડે પછવાડે કેટલી બધી કવિતાઓ રચાતી આવશે. એ જ પ્રમાણે નાટકનો પહેલો પ્રવેશ આપમેળે વહેતો આવ્યો અને તાણી ગયો. નાટકમાં નાટક સુધી. લખતાં લખતાં ભાષા જ અનેક શક્યતાઓ ઉપજાવતી જાય છે અને કવિની કસોટી કરતી જાય છે. જે લખાય છે તે ભલે કવિના શબ્દ હોય પણ તેની સંપત્તિ નથી, તેનો અધિકાર નથી. ભાષા તો કવિને છિન્નભિન્ન થતાં બચાવનાર ધર્મ છે. ભાષા સંમુખ નમ્ર થવું એ જ કવિનો પર્યાય અને પુરસ્કાર છે.

તો આ પચાસ વરસમાં કલમ અને કાગળ સાથે જીવતાં જીવતાં એકઠું કરેલા અનલ્પ જ્ઞાન સાથે સંસ્કૃતિનું આકલન કરવાનો ઉન્મેષ જ્યાં સુધી દોર્યે જાય તે સાહસનો પ્રવાસ આ સિવાયની લખાતી જતી બીજી ગુજરાતી અને અંગ્રેજી કવિતાઓમાં.

અનેક કવિતાઓ અધૂરી રહી છે પોતાની જ મર્યાદાને કારણે, અણધારી જલ્પન માત્ર રહી છે, કેવળ કલ્પનામાં જ રહી છે, હજીય પ્રતીક્ષ્યમાણ રહી છે. પણ સાથોસાથ વિશ્વના અનેક કવિઓની સંખ્યાતીત કવિતાઓ સંચિતમાં સકળ બની ગઈ છે. લખાયું તેનો ય આનંદ છે. ન લખાયું તેનોય આનંદ છે. પણ સમગ્રની કવિતામાં જે પમાયું છે તેનો પારાવાર આનંદ છે.

પામ્યું તે છે પાણો. જેને પરસેવે ભીંજવ્યો. લોહીથી રંગ્યો, રાખ થઈને ક્યારેક વળગીશ તે The White Goddess.*

‘શબ્દસૃષ્ટિ', કવિતા અને હું: દીપોત્સવી વિશેષાંક, ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૧
* મિત્રોને Robert Gravesનું આ પુસ્તક વાંચવાનું નિમંત્રણ.


0 comments


Leave comment