4 - કવિતાને પહેલાં ગાઈવગાડીનાચીને સાચવી રાખતા / દિલીપ ઝવેરી


કવિતાને પહેલાં ગાઈવગાડીનાચીને સાચવી રાખતા
ત્યારે ય કોઈ તો બબડતું કે સીધેસીધી વાત કરવાને ઠેકાણે માંડ્યા આ રાગડા
પછી જ્યારે લિપિમાં લખાવા લાગી ત્યારે તો રાડ પડી
ક્યાં પેલા કાનમાં કુંડાળે વળી જતા સ્વરોની સુંવાળ૫
અને ક્યાં આ આંખને કઠતા વાંકાચૂંકા છેદાછેદ લીટા ?

ધોધમાર ધસી આવતી પ્રેરણાને હથોડીટાંકણે પથરા પ૨ જડી દઈ
પથરા માથે મેલી ધડકતા હૈયે પગલાં સંભાળતા યુવાન કવિઓ
વિવેચકને કવિતા પહોંચાડતા
‘કરમમાં લખ્યા છે પાણા’ – કહેતી એની ઘરવાળી
વારેતહેવારે સાફસફાઈ કરી રદ્દી ભંગારવાળાને
ધૂળખાતી કવિતાની વજનહાર હસ્તપ્રતો વેચી
માટીનાં બરણી માટલાં વસાવતી
(અસ્વીકૃત રચનાઓને સંપાદકો ‘લો ઝીલોજી' કહી પરત કરતા
ત્યારે નાસી છૂટેલા સસલાની જેમ કવિઓ સાવચેત રહેતા
પાષાણયુગનાં કવિસંમેલન-મુશાયરાની ધમાલની કલ્પના કરી શકો)
હજી ક્યારેક પુરાતન રાજમહેલોના પાયામાં કિલ્લોઓના કાંગરામાં
કે મંદિરની ભીંતોમાં એ પથરા જડી આવે છે.
પોતાને ગામ કોઈ પૂછે નહીં ત્યારે પડોશમાં નામ કમાવા
કે લોહીમાં બોળી ઇતિહાસને અનુકૂળ કરતા રાજા-પૂજારી સામેના અપરાધે
દેશનિકાલ કવિઓ
સંપેતરામાં સહેલાઈથી સંતાડવા
પાંદડે પાંદડે કવિતા ખોતરી ભૂગોળમાં ભમતા થયા
પછી પાંદડાં પર અંકાતી શીઘ્રકવિતા વાંચીને
પથરા પૂજતા રાખોડી દાહીભમરવાળા પયગંબરી કવિગુરુઓ ગરજી ઊઠતા
અરે કેટલાં વૃક્ષોને નાગાં કરશે આ આધુનિક કવિઓ?
એમને જાણ ન હતી કે હજી તો કાગળ અવતાર લેશે
અને તીણી ટાંકને ખીલે કાગળ પર લોહીની જેમ શાહી રેલાશે
શોકના ઊભરાને કાગળ પર રેડી આ મેં શું કહ્યું એવા
હરખથી ઓહ માઈ ગોડ કહી કરી દે કવિ હસ્તાક્ષર
તો અક્ષરોની ભીરતનાં સંદેહ-સંદિગ્ધતાને જાણનાર કોઈ
દસ્તખત કર્યા વિના લખી દે કે આ શબ્દો મારા નથી
મારી આંગળીઓને ઝાલીને ઓ ખુદા કોઈ લખાવે છે

અને ખડખડાટ હસતા શયતાનનો જન્મ છાપખાનું બનીને
એણે યંત્રમાં પકડીજકડી જોડેલાં બીબાંઢાળ ચિહનોની વર્ણરીતમાં
હવે ક્યાંથી જડશે મૌલિકતા ? અજોડ આગવી શૈલી ?
કવિના પોતાના હાથે લખેલા
કમનીય વળાંકોમાં જે લય
આડાઅવળા અધૂરા બટકણા કાનામાતરમાં જે આતુરતા
મોટા પહોળા ઠાંસોઠાંસ અક્ષરોમાં જે અસહાયતા
ઝીણા અળગા ઉકેલવે અઘરામાં જે આહ્વાન
જોડણીવ્યાકરણના દોષથી બેખબરની માસૂમિયેત
આ છપાતી કવિતામાં ક્યાંથી જડશે કવિનો સાચો ચહેરો?

કવિતા છપાતી રહી છતાં ય
પછી તો સામયિકોમાં અનિયતકાલિકોમાં છાપામાં
છૂપાં ભોંયરામાં ખુલેઆમ બાજારોમાં
યુદ્ધોમાં ગુલામી સામેના જંગોમાં મૂછાળા-ઢીંચણઢીલા સામેની બગાવતોમાં
ફાંસીને માંચડે ગોળીની સામે ધૂમાડાખોલીમાં
સિનેમાની ચોપડીઓમાં ગલીનાકાનાં પાટિયામાં પાર્લામેન્ટમાં
દાઢીવાળાના ગંધાતા મોઢે કે મૂંડેલાના બોખા ગલોફામાં
ટેલિવિઝનની સરકણી તળિયાપટ્ટીઓમાં
ખોવાઈ ગઈ છે ખોવાઈ ગઈ છે ખોવાઈ ગઈ છે – ની રાડારાડ તો
રોજ સંભળાય છે
અને
બે કાને આંગળી ખોંપી
દાંત વચ્ચે કલમને ઝાલી
છાતીએ કોણી હેઠ કાગળ વળગાડી
કવિ કળેબળે ઊભો થવા જાય છે
          સામે છે કૉમ્પ્યુટર
*
‘શબ્દસૃષ્ટિ', મે ૨૦૦૫


0 comments


Leave comment