7 - વાત / દિલીપ ઝવેરી


સીધે સીધી વાત
   કરતાં કરતાં અટપટી થતી ગઈ
   અરધું કહ્યું
   ત્રાસું કહ્યું
   ઊલટું કહ્યું
   ચૂપ રહી કહ્યું
   કટકે કટકે સડેડાટ ફૂદડી ફરતાં કૂદકો મારી નાચ કરી
   જડ થઈને
   રંગથી કહ્યું રવથી કહ્યું જીભે ચટકો દઈને કહ્યું
   ઉચ્છવાસથી ટેરવાંથી છેવટ છોડી દઈને કહ્યું
   પડછાયામાં કહ્યું તડકામાં કહ્યું
   ઓરડાના એકલ અંધારામાં કહ્યું
   બારણાં ખોલી બહાર કહ્યું
   અને
   આજે સીધેસીધું કહી દઉં
   કે
ચાર હોઠ મળે
થાકેલી સાંજે વાંસે આંગળીઓ ફરે
ઢળતી બપોરે માચિસ ભેગા નીકળી આવેલા
નામ ટાંકેલા ભીના રૂમાલથી માથે પરસેવો લૂંછીએ
બાજુવાળાને છાપાનાં વચલાં પાનાં વાંચવા દઈએ
ગ્લાસમાં બરફ નાંખી ગોળ ગોળ ફેરવતાં
સોડે હાશ કરીને બેઠેલીની હથેળીઓ ચૂમી લઈએ
નોટબૂકના કાગળને હોડી મોર ફૂલ વિમાન કરીએ
સુકાતાં કપડાં સાથે ઉતારતાં ઘડી પણ કરી દઈએ
અડધી રાતે યાદ આવેલું યાદ ન રહ્યું એવું કંઈ કહી દઈએ
સ્હેજવેંતમાં
સીધી સાદી વાતને
કવિતા કરી દઈએ
*
‘એતદ્’, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૬


0 comments


Leave comment