9 - કવિને માથે / દિલીપ ઝવેરી


કવિને માથે કલગી
      તરણું
      ફૂટી ચબરખી હોય
કવિ તડકાને માંજે પાણી ધોય
કવિ ગાંડાને ગાંડો કહી સંતાય
બેધડક વાટ આંતરી શાણાને ક્હે મેડ
બેફિકર બેઅદબ બેતમા કરીને જબાંદરાજી
યતીમ ને માસૂમ આંસુની આસપાસ
ચોપગે પહેરો
ચીતરે ચમન બિયાબાં સહરા દોઝખ
કૂંપળ કૂણું ઘર
ને ઘરમાં
ટેબલ ખુરશી દરવાજો અભરાઈ પાટિયું ફળી
બેવતન કાષ્ઠ દેખ્યું કે
ખમા ખમા ચોપડતો લીલા લેપ
નદીનાં ખળખળતાં જળને ઝડપીને લખે રેતથી લેખ
ઊડતા વાદળ વાંસે કાગળ
ચારેકોર વાવટા ફરકાવી વંટોળ નોતરે આથમણા
ઘરભૂલ્યા ભેળો જાય ભટકવા ભવભવ
      દરિયે
ભરી સૂપડે લૂણ ઉલેચે મોજાં
કવિને મીઠાની તો તાણ મૂળથી
મૂળા માથે પાન
પાગિયા કવિને માથે કલગી તરણું ફરી ચબરખી હોય
કવિ માટીમાં હાથ ફેરવી
અગલું કાઢે બગલું કાઢે સસલું કાઢે
ફૂલ સફરજન ઈયળ બીજ
ઊંડે ખોદી વેકૂર વલોવી
શંખ સીપ જળઘોડા મોતી પ્રવાલ
- બાઝ્યા ખડકે છોલી
રક્ત ટપક્તી પોતાની આંગળીઓ કાઢે
તો ય પીડ ના કવિને છળિયો હસતો શો ખખડાટ
આંધળી અમાસના તારા લૂંછાતા જોઈ શ્રાવણી રાતે
રડતો પોશ પોશ
પણ કોણ સાંભળે ધોધમાર વરસાદે
ને ઠલવાઈ જાય જબ પૂરો
છેવટ કિત્તા ખાલી કાગળ કોરા સૂકી કલમે
ટીપું ટીપું કંઈ લખે
લખે ને પાતાળેથી પૂર સામટાં ધસે
હજી અણઉકલ્યા અણઘડ અણવણ ને અણબોટ અક્ષરો
ઊના પોચા અદબદ ગોગડ
આંખ-પાંખ ખોલ્યા પ્હેલાંના લોંદા જેવા
પલળી ડૂબી જાય જાય એ પ્હેલાં ભરી ભરી ખોબે ખોબે રણ વેરે
આખર તરણું ઝાલી દંત
ચબરખી છોડી સરથી
ફરી નવેસર
નાવ નવતરી કરી
પૂરમાં તરી જાય
બસ
કવિને માથે કલગી
*
‘એતદ્’, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૬


0 comments


Leave comment