10 - કવિતા / દિલીપ ઝવેરી


ભરી તમાકૂ પાન ગલોફે હવે ટેસથી કવિતા

તડકાની કલમે આલેખી સ્કાઈ સ્ક્રેપરનો પેપર
ઝાકળની રુશનાઈ લપેટી મેઘધનૂષી રેપર
એકલતાની હળ્યાંમળ્યાંની હસ્યાં રડ્યાંની
અરથ વિનાનાં શાણપણાંની
સાવ અબોલી ને ખળખળતી
સ્તિમિત – આકુલા સરસ્વતીની સરિતા
      હવે કરીશું કવિતા

ભર જંગલ સિંદૂરી પાણા
મરઘાનાં પીછાં ચકમકના તણખા
ડિઝલ ધુમાડા સિગ્નલ ટોળાં
કોમ્યુટર પર ટિકટિક કરતા તારકગણના છણકા
જોઈ જોઈ તોય અજાણી
મિસર- સુમેરી- બેબિલોન- વૈશાલી- વાંકી વડોદરામાં
વસેલ વિરહી વનિતા
      એની હવે ટેસથી કવિતા

રૂંવાડે ફરકે આંગળીએ થરકે સરકી જાય તાળવે
સૂકા હોઠે અડી લપાતી સાત સમંદર તળિયે
તરતી શમણાના પરણે આવે સંભવિતા
      હવે ગલોફે કવિતા
*
‘એતદ્’, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૬


0 comments


Leave comment