11 - દારૂ જેવા તડકા ગચગચ ઊંચી ડોકે ગળચ્યા / દિલીપ ઝવેરી


દારૂ જેવા તડકા ગચગચ ઊંચી ડોકે ગળચ્યા
રેલા બોચી લગ
    ને ડગલાંનો લય
તબલાંવાળો હોય કોઈ તો જાણે

જાણી અફીણ
ઘોળ્યું પાણી
   ઝાકળ ધુમ્મસ વાંછટ ધોધમાર બંબોળાં ઘોડાપૂર ભુરાયો દરિયો
ડૂબે વહાણ તોયે
ડઠ્ઠણ દીવાદાંડી જેવાં ઘેનભરેલાં રાતાં અપલક નેણ

આવી આબોહવામાં
બિયાબાંને છોડી બાગની બેજાન શબનમી શાખ પર
શરાબી શગુફ્તે બહારના હૌસલા-હૈસિયત જાહિરે બયાન કરે
    તે કવિતા.
*
‘પરબ', નવેમ્બર ૨૦૦૩


0 comments


Leave comment