12 - પહેલે દિવસે / દિલીપ ઝવેરી


પહેલે દિવસે
    અજવાળું : ને ચારે ખૂણે આગ
બીજે દિવસે
    પાણી પાણી : દશ દિશ ધસતાં પૂર
ત્રીજે દિવસે
    ભોંય ભોંય : ને લાવારસના પહાડ
ચોથે દિવસે
    માણસ : પળમાં સકળ અકળને વશ કરશે
ને
દિવસ પાંચમો :
    માણસ ખોદે માટી
      ભરવા પેટ
      બાંધવા ઘર
      પાથરવા મોત
      પૂજવ કાંક

કાંકરે કંઠ ખચડતો છઠ્ઠો :
સુસ્તી કળતર નાકે સળવળ ડોકે મરોડ
ડૂંટી ફરતે તીણી તાણ જીભને મોળ
પગ લંબાવી આડે પડખે ઢળી હાથથી કરી ઇશારો
    દરિયે દોરી મચ્છી
ને સબડાક કાચબા ઊડ્યા જઈ આકાશ
    લીંટે ઇયળ આળખી
તીડતીડનાં ધાડાં ખેતર ખેતર
    લોંદે થાપી ગમાણ
આવ્યા રીંછ લથડતા લઘરા
    છીંકે ગુલાબમાં સૂતી શહજાદી
ડબાક કૂદ્યા દેડક
    સસલાં સીવ્યાં

દોડી ગોકળગાય
ઊંઘની આશે ઝોકાં ગણવા ચરવા મેદાને મેલ્યું ઘેટાનું બાળ
વરૂનાં ધસ્યાં તરસતાં ટોળાં
જડબેસલાક ભીડ્યાં કમાડ
ગ્રહ તારક નક્ષત્રો નિહારિકા દદડ્યાં ચૌદે બ્રહ્માંડ ખાળવા
    કરી બગાસે આડ હથેળી ફરી દૂર લંબાવી
સૌને સમેટવા મુઠ્ઠીમાં
ગાજ્યાં તળિયાહીણાં ખાંઉં ખાઉં બાકોરાં
ઘચરક ઓડકારતાં
જાય બધું જ જહાનનાં
      કહેતાવેંત

પકડ શયતાની
પોરો સાતમનોઃ
જો માણસ છે આ એક દિવસ બસ તોરો

માણસ નામ નોંધતો
સઘળું ભેગું કરે ઘડીમાં
છોડે બાંધે હોંશેહોંશે ગાય
ઘડીમાં તોડે
કરતો અંગ અંગને હેત ગૂંગણો
ગાતો ગાતો કટકે કટકે કાપે
    મીંઢા પથ્થરમાંથી મૌન
    પાનખરેથી પડઘા
    વગડેથી પડછાયા
    મેદાનોથી અંતર
    આગઝાળથી વેગ
    અંધારાથી દિશા
    ધડકારાથી કાળ
    ડાળથી ફળ
    ખેતરથી હૂંડાં
    ધડથી માથાં
    મોંથી શ્વાસ
    હોઠથી શબ્દ
    શબ્દથી અક્ષર
    એકલ અક્ષરમાંથી વ્યંજન
    વ્યંજનમાંથી અવાજ
કરતો અવાજ કરતો અવાજ
દોડે દશો દિશામાં કૂદે
જાણે જડી ગયું કંઈ બબડે જોડે હરખે હરખે ગાય
પછી કંઈ ખોવાયું ના હોય તોય
    ભડકામાં ગોતે પાણી
    અતડા તોતડાટમાં વાણી
    સૂના ઉજાગરામાં રાણી
    અમથા જીવ્યામાં ય કહાણી
    સબકુછ ખોયામાં ય કમાણી
ખાટ્યો ખટરસ માની ખડક ચાટતા સમદર જેવો
લવણ લવણ ઘુઘવાટા કરતો
ખારીલો વેરીલો વીલો ઝેરીલો ઢીલો પેચીલો લીલો
સોગીલો શોરીલો
માણસ
    કાંક ઉગાડે તો કોકને ભગાડે
    કાંક વાવે તો કોકને વાઢી નાંખે
    કાંક પામવા કોનું ધનેપાત કરે
    કાંક ચાહે તો કાંક તજે
    કાંક ભૂલવા કોકને વેરવિખેર કરે
    કાંક સાચવવા
    કોકનાં નામ ગામ બૈરાં છોકરાં માટલાં હાંડી
    હાડનું નખ્ખોદ વાળે
    ધગતી રેતમાં બરફ રોપે
    મીઠા વનાની ભોંયે હલેસાં ખોડે
    કાળી માટીમાં લૂણ વેરે
    પથરા માથે હળ ફેરવે
    ને ધાન બાળી વળી ધરતીમાં દાટે
    લૂંટેલા લોહિયાળ લૂગડાની લાજ સાટે
    ધૂળમાં લોહીનાં પૂર રેલે
       લોહીમાં ખીલા ખોડે ગોળી મારે
    લોઢાં ને ગંધક ને વીજળી ને
    છેક ચાંદા સૂરજ કોરે તોપ માંડે
પછી જડબાં ભચડતો હોઠ લબડતો
ગળું ટૂંપ્યો જીભ કચડ્યો
ઘેરા ઘાંટે
ગોગડું ગોઢું ગાય
ગાય ગાય અને ગાય

હાય આ માણસથી તો થાક્યા
કરતો એક કારખત ઝાઝાં કારસ્તાન
હવે તો જાય રસાતળ સકળ કારવ્યું કર્યું રાખમાં ભળે
રાગડા તાણી ગાતા માણસને છેવટ છાનો કરવા
ફરમાવ્યું
    ફરી બધે અંધાર હજો
ને લાખ સિતારા સૂરજ ચાંદા ભડકે ભડકે બળી ગયા કે
    નિશાન પણ ના બચે
તો ય એક ખૂણે તગતગતી
અજાણ ભોળી અંક અનોખી કવિતાના અજવાળે
માણસ નઠોર નવરો ગાય ગાય ને ગાય
*
‘શબ્દસૃષ્ટિ', મે ૨૦૦૫


0 comments


Leave comment