14 - કવિતા ખરા ખપનો લય ગોતે / દિલીપ ઝવેરી
કવિતા ખરા ખપનો લય ગોતે
સુથારની કરવતના કંપારવમાં
લુહારકોઢના એરણઘણ ઢણકારમાં
ડૂંટીએ લોંદો થાપી ઘમરતા કુંભારચાકડાના ઘઘરાટમાં
ઘાંચીની ઘસાયલી ઘાણીની ફરતી ખખડખોડંગાતા ખુંધાળાની ખરી હેઠળ કચડાતા કાંકરામાં
કચૂડતા કોસની લટકેલી ગરગડીને ગળે ઠેબાં ખાતી ડોલના છલકાટમાં
લૂખી સાયકલના પૈડાના અલપઝલપ કરાયલા સળિયાના ઝમઝગાટમાં
આખો દિવસ કામ ગોતવા રખડી
લથડાતા પગે ભૂખ્યા ઝૂંપડે પાછા આવી રોટલાને ઠેકાણે માગેલ ખાલી
પવાલુંભર પાણી
એ પાણીમાં તરવરે ગટકગટક તે કવિતા.
*
‘પરબ', નવેમ્બર ૨૦૦૩
0 comments
Leave comment