18 - વેગીલા વાહનમાંથી બહાર દેખતી આંખ / દિલીપ ઝવેરી


વેગીલા વાહનમાંથી બહાર નીરખતી આંખ ઝપાટાભેર લસરકામાં
જોયેલું છોડીને જાય
એ રીતે અક્ષરો વાંચનારને
કવિતા બાંય ઝલીને ઉતારી દે
અને એક એક કરીને દેખાડે
આકાશનો અ બારીનો બ રસ્તાનો ૨
દુકાનના પાટિયા પરથી ઝંપલાવી
બરણીઓના કાચ પછવાડેની રંગીનીઓને અડપલાં કરતો તડકો
દોરી કૂદતી ફરાકફૂલી છોકરી
સુકાતાં કપડાં પાછળથી લપઝપ કજિયે ચડ્યા બાળકના ગાલ પરનો રેલો
સામે માલ ખડકીને પોરો ખાતા મજૂરના કપાળ પરનો પરસેવો
ખાબોચિયામાં સરોવર
ફૂટપાથની વચોવચ સળવળતા તરણાની લીલાશમાં ગાઢ વનનો શ્વાસ
ઉઘાડી ગટરમાંથી ઊભરાતી સદીઓથી સડ્યાં માસૂમ મડાંની વાસ
સિનેમાના ઈશ્કેટાટ પોસ્ટરના બાકોરામાં ચાંચોચાંચ કબૂતર
રેંકડીના ચકરાતા ચાકમાંથી વિસ્તરતાં નક્ષત્રનિહારિકાઓ
થંભેલા વાહનના કાચમાં ડોકિયું કરતાં
          અચાનક પોતાનો અદીઠો ચહેરો
જેનું જીવતું નામ
કાનમાં વગર સાદે કહી
અનેક રીતે બોલાતા પારદર્શક અક્ષરોમાં લખી
ભૂંસી પડઘા પાડી
બાંય ઝાલીને પોતાની જોડાજોડ
સમયની પેલી પાર ઝપાટાભેર લસરાવી જાય
તે કાગળ પરની કાળી શાહીમાં
નિશ્ચલ સમાઈ ગયેલી કવિતા
*
‘શબ્દસૃષ્ટિ', માર્ચ ૨૦૦૪


0 comments


Leave comment