19 - આંખ મીંચો તો / દિલીપ ઝવેરી


આંખ મીંચો તો
કવિતા
અચળ કાગળને માથે ઓઢાડેલી શાહી મટીને
ચંચળ સાગરના લોઢ માથે ઊઘડતો શઢ બની જાય
અંધારામાં પાંદડાં પછવાડે પોઢેલા આગિયા
અજવાળું ઊગતાં ઝાકળ થઈ ઝળકે
એમ કવિતા શબ્દોના સિતારા કરે
અને આકાશની નીલાશમાં પારદર્શક શ્વાસથી તમારું નામ દોરી ઉરાડી
તમારા હોવાને ઓગાળી દે

આંખ ખોલી તમે મરકતા અક્ષરોના વળાંકો પરથી
લસરી પડતા પારા જેવા ઠેલાતા ઠેલાતા એકાદ એંધાણીના ટપકાને વળગવા જાવ
ત્યારે બેબાકળા લટકી પડેલા તમારા ક્યાં ય પણ ન-હોવાની
ચારે તરફ બારે તરફ હજારે તરફ આરસા બનીને
તમે જ પોતાના પડઘા પાડ્યા કરતા હો
ત્યારે જાણ થાય કે
પોતાની ઓળખને ચીપી ચીપી ગોઠવી ગોઠવી ટુકડે ટુકડે નોખી અળગી કરી
ફારગ કરતાં અવ્વલ એકએકને સિર ખુદના ખૂનના કતરાની મહોર મારી આખરે
પોતાના હોવાને એક એક અક્ષરમાં તજીને
- એ અક્ષરની શાહી જેના લોહીથી બની છે તે – અચળ કવિએ
માથે કાગળ ઓઢી લીધો છે
સાગરના ચંચળ લોઢની જેમ કૂચ કરતા તમારા પડઘાઓના ઘેરાથી અજાણ બહેરો છે
કારણ કે એણે હોઠ મીંચી દીધા છે
અને કવિતા બોલે છે
*
‘શબ્દસૃષ્ટિ', માર્ચ ૨૦૦૪


0 comments


Leave comment