20 - કવિતા અડે / દિલીપ ઝવેરી


કવિતા અડે
    તો કશુંક ઓગળી જાય
    કશુંક ઓલવાઈ જાય
    કશુંક ભભૂકી ઊઠે
    કશુંક રેલંછેલ વહી જાય
પથ્થર હોય તો આળસ મરડી ઊભો થાય
પર્વત હોય તો માથું ઝુકાવી ખોડાઈ જાય
હારબંધ પાંદડી લજાય બીડેલી કળી સજાય
દેડકો કલગીસાફાળો કરોયલ કલૈયો થઈ જાય
કોડી કલદાર થઈ જાય, સોનૈયો ઠીકરી થઈ જાય
સાંઠીકડું સાગ ને સાગ સીસમશીમળાઆવળબાવળપીપળવડ
અગરતગરતમાલઆંબલીઆંબા આંબ્યાં અંબાય નહીં એવાં વન થઈ જાય
જ્યાં
હરતું ફરતું હરણ, તરવરતી તરુણી, પવાલામાં સળવળતું પાણી આંગવી
ટેરવે ઝીલેલું આંસુ સોનુ થઈ જાય.
સોનામાંથી કાટ, કાટમાંથી કાચ, કાચમાંથી હીરો, હીરામાંથી કોલસો,
કોલસો તારાનક્ષત્રનિહારિકાઓથી રણકતી રાત થઈ જાય
રાત દિવસ થઈ જાય, દિવસ ધુમ્મસ થઈ જાય, ધુમ્મસ ચાંદો થઈ જાય
ચાંદો પરી, પરી પગલી
પગલી પાની, પાની અળતો
અળતો હળતો ફળતો રળતો જમતો છુટ્ટો
*
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪


0 comments


Leave comment