22 - લખેલા અક્ષર છેકી શકાય / દિલીપ ઝવેરી


લખેલા અક્ષર છેકી શકાય
પણ ભૂલથી ય ન માનવું
કે આંસુમાં શાહી પીગળી જશે અને કાગળ ફરીથી કોરો થશે

રીસે રોષે માથે ખડિયો ઢોળી
કે કાગળ જ આખે આખો બોળી
કાળો કરી કોરા પર વેર લેવાય
પણ વેર વાળવા માટે કવિતા નથી હોતી

એક એક અક્ષર કાગળને ઉઝરડે
ત્યારે હજી ય કેટલું કોરું છે
તે દેખાડીને હરખાવે
એ કવિતા હોય છે
*
‘સાહચર્ય વાર્ષિકી : ૨૦૧૬’


0 comments


Leave comment